bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ચૂંટણીમાં કામગીરીની ના પાડતા શિક્ષિકાની અટકાયત, જાણો શું બોલ્યા ડેપ્યુટી કલેક્ટર...

 

દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની 26 લોકસભા સીટો પર 7 મેએ મતદાન થવાનું છે. ત્યારે ચૂંટણીની કામગીરી માટે વિવિધ સરકારી કર્મચારીઓને ફરજ બજાવવાની હોય છે. શિક્ષકોને પણ ચૂંટણીમાં વિવિધ કામગીરી સોંપવામાં આવે છે. આ વચ્ચે અમદાવાદમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાયેલા શિક્ષિકા સામે કાર્યવાહી થઈ છે. બૂથ લેવલ ઓફિસર (BLO)ના કામમાં ન જોડાતા ચેનપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા હિનલ પ્રજાપતિની પોલીસે અટકાયત કરી છે. મામલતદારના હુકમ બાદ પોલીસે આ કાર્યવાહી કરવામાં આવી છે.

ચેનપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હિનલ પ્રજાપતિને ઘાટલોડિયા વિધાનસભામાં BLO ની કામગીરી સોંપવામાં આવી હતી. પરંતુ તેમણે સાસુ-સસરા બીમાર હોવાને લીધે અને બાળકો નાના હોવાને કારણે આ કામગીરીનો અસ્વીકાર કર્યો હતો. મહિલાએ પોતાના જ વિસ્તારમાં બીએલઓની કામગીરી સોંપવાની માંગ કરી હતી. મામલતદારે મહિલા શિક્ષિકાની અટકાયત કરી ચૂંટણીલક્ષી કામગીરીમાં હાજર કરવાનો ઓર્ડર આપ્યો હતો.


શિક્ષિકાના પતિનું કહેવું છે કે, 'મહિલાને BLOની કામગીરી સોંપાઈ હતી. ગુજરાત ચૂંટણી પંચનો પત્ર છે કે કોઈ મહિલાને અનિવાર્ય સંજોગોમાં જ BLOની કામગીરી સોંપવી. મહિલાને ગમે ત્યાં કામગીરી ન સોંપવી. જ્યાં તેમનો મત વિસ્તાર છે ત્યાં જ મુકવી. તેથી અમે ચૂંટણી પંચના પત્રને જોડીને રજૂઆત કરી હતી કે અમને આ કામગીરી ન આપો. અને જો કામગીરી આપો તો અમારા મત વિસ્તારમાં જ આપો. તેમ છતા તેમણે દૂરના સ્થળે કામગીરી આપી છે. જેને લઈને અમે આ કામગીરીનો અસ્વીકાર કર્યો છે. આખા ગુજરાતમાં આ પહેલો કેસ છે, જ્યારે મહિલા શિક્ષિકાની ધરપકડ કરાઈ છે. અમે લેખિતમાં આધાર પૂરાવા સાથે રજૂઆત કરી છે. આ બાબતને અમે સંઘમાં રજૂઆત કરીશું અને જો કોર્ટ જવાની જરૂર પડે તો પણ અમે જઈશું.'

શિક્ષિકાની અટકાયત અંગે ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું હતું કે, 'નોટિસ આપી હોવા છતાં હાજર ન રહેતા શિક્ષિકા સામે વોરંટ અપાયું છે. લેખિત રજૂઆતના આધારે ખુલાસો કરવા તેમને કહેવામાં આવ્યું હતું. શિક્ષિકાની રજૂઆતો યોગ્ય લાગતા બીજા ભાગમાં ડ્યુટી માટે કહેવાયુ છે.'