bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ભુજમાં તાપમાનમાં સતત વધારો થતાં હવામાન વિભાગના અધિકારીએ આપી માહિતી...  

 રાજ્યમાં હાલમાં ચાલી રહેલા ઉનાળામાં કચ્છના જીલ્લા મથક ભુજનું મહત્તમ તાપમાન વધારે રહેતું હોય છે અને છેલ્લાં કેટલાક સમયથી ભુજ હોટ સ્પોટ પણ બની રહ્યું છે. કોઈ સમયે 43થી 45 ડિગ્રી સુધી પણ તાપમાન ભુજમાં નોંધાતું હોય છે. ભુજમાં મહત્તમ તાપમાન વધવાના કારણોમાં મુખ્યત્વે શહેરીકરણ વધી રહ્યું છે તો સાથે સાથે પ્રદૂષણ પણ વધી રહ્યું છે તેમજ જીલ્લાના અન્ય શહેરો છે તે દરિયાઈ વિસ્તારથી નજીક છે જેથી ત્યાંની સાપેક્ષે ભુજનું મહત્તમ તાપમાન વધુ રહેતું હોય છે. સામાન્ય રીતે જીલ્લા મથક ભુજમાં ગરમીના દિવસોમાં મહત્તમ તાપમાનનો પરો 39 ડિગ્રીથી 44 ડિગ્રી સુધી નોંધાતો હોય છે. સવારના 9 વાગ્યાના આસપાસથી જ પારો ઊંચો ચડતો જાય છે અને દિવસભર ઉકળાટ રહે છે. સાંજના 7 વાગ્યા પછી પારો નીચે ઉતરે છે અને રાત્રિના સમયે ઠંડકનો અનુભવ થાય છે. ત્યારે છેલ્લાં કેટલાક સમયથી રાજ્યમાં પણ ભુજનું તાપમાન સૌથી વધારે જોવા મળી રહ્યું છે અને ભુજ જાણે કે હોટ સ્પોટ બની રહ્યું હોય તેવું વર્તાઈ રહ્યું છે. ભુજમાં આડેધડ શહેરીકરણ પણ વધી રહ્યું છે આજે ભુજ 56 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વિસ્તરી ગયું છે. જેના કારણે વાહનોની સંખ્યામાં પણ વધારો થતાં પ્રદૂષણ વધ્યું છે અને ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધતાં તાપમાન વધારે નોંધાઈ રહ્યું છે. ભુજમાં તાપમાન વધતાં જાણે કે અગનભઠ્ઠી બન્યું હોય તેવો અહેસાસ થતો હોય છે. છેલ્લા અમુક દિવસોથી જીલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેવા વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે ગગડયો હતો પરંતુ ભુજમાં વરસાદી માહોલ વચ્ચે પણ પારો એટલો નીચે ઉતર્યો ના હતો અને ભારે ઉકળાટનો અનુભવ લોકોએ કર્યો હતો. અર્બનાઇઝેશન, પોલ્યુશન ,હ્યુમન એક્ટિવિટીઝ તાપમાનના વધારા માટે જવાબદાર છે. હવામાન વિભાગના અધિકારી પ્રીતિ શર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી ભુજમાં કલાઈમેટ ચેન્જ જોવા મળી રહ્યું છે જેના કારણે સામાન્ય તાપમાન કરતા વધારે તાપમાન જોવા મળતું હોય છે. જેમાં હ્યુમન એક્ટિવિટીઝ પણ મહત્વનો ભાગ ભજવે છે. ભુજમાં શહેરીકરણ પણ વધી રહ્યું છે. આ ઉપરાંત ભુજમાં વૃક્ષોનું પ્રમાણ, પ્રદૂષણ અને માનવીય પ્રવૃતિઓની સરખામણીએ ઓછું છે જેથી કરીને તાપમાન વધારે જોવા મળે છે. ભુજ સિવાયના કોસ્ટલ વિસ્તારોમાં માનવીય પ્રવૃતિઓ પ્રમાણમાં ઓછી હોય છે. હાલમાં ઊંચ સ્તરીય સાયકલોન સર્કયુલેશન ચાલી રહ્યું છે જેના કારણે ભુજ સિવાયના વિસ્તારોમાં વરસાદ વરસવાની સંભાવના વધારે રહેતી હોય છે. કચ્છના અન્ય કૉસ્ટલ વિસ્તારોમાં વરસાદની સરખામણીએ ભુજમાં વરસાદનું પ્રમાણ ઓછું હાલમાં જોવા મળશે.ભુજમાં એટલો વરસાદ જ નથી થયો જેના કારણે ભુજમાં તાપમાનમાં વધારો જ જોવા મળી રહ્યો છે.