વણઉકેલાયેલાં પ્રશ્નો મુદ્દે હવે રાજ્યના આંગણવાડી બહેનો-આશા વર્કરોએ સરકાર સામે બાંયો ચડાવવા તૈયારી કરી છે. તા. 3થી તા.10 ઓગષ્ટ સુધી રાજ્યમાં 1.40 લાખ આંગણવાડી બહેનો-આશા વર્કરો 'પોલ ખોલ' કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શિત કરશે. આંદોલનાત્મક કાર્યક્રમ પછી ય પ્રશ્નોનો ઉકેલ નહી આવે તો અચોક્કસ મુદતની હડતાળ પાડવા નક્કી કરાયુ છે.
આંગણવાડી બહેનોની રજૂઆત છેકે, છેલ્લાં છ વર્ષથી પગારમાં વધારો કરાયો નથી. લઘુતમ વેતન રૂ.495 નક્કી કરાયુ છે જયારે આંગણવાડી બહેનોને રૂ.385 ચૂકવાય છે. સરકારને પગાર વધારો આપવામાં ખચકાટ થાય છે જયારે આંગણવાડી બહેનો સાથે નવુંનવું કામ લેવામાં આવે છે પરિણામે કામનો બોજો વધી રહ્યો છે.
એટલુ જ નહીં, વર્ષ 2022માં રાજ્ય સરકારે આંગણવાડી બહેનો સાથે સમાધાન કરીને અમુક પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખાતરી આપી હતી તેમ છતાંય આજદીન સુધી એકેય પ્રશ્ન ઉકેલ્યો નથી. બજેટમાં પણ આંગણવાડી બહેનોના લાભને કોઈ જાહેરાત કરાઈ નથી.
પડતર પ્રશ્નો મુદ્દે અનેકવાર રજૂઆત કરાયા પછીય સરકારના પેટનું પાણી હલતુ નથી. ગુજરાત આંગણવાડી કર્મચારી મંડળની બેઠક મળી હતી જેમાં સરકાર સામે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવા નક્કી કરાયુ હતુ. તા. 3થી તા. 10મી ઓગષ્ટ સુધી પોલ ખોલ કાર્યક્રમ યોજી આંગણવાડી બહેનો જુદા જુદા શહેરોમાં વિરોધ પ્રદર્શન કરશે.
તા. 14મીએ આંગણવાડી બહેનો-આશા વર્કરો રાત્રિ જાગરણ કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન પ્રદર્શિત કરશે. ધારાસભ્યો અને સાંસદોને પણ અલ્ટીમેટમ પત્ર આપવામાં આવશે. જો સરકાર પડતર પ્રશ્નો નહી ઉકેલે તો તા. 19મીથી રાજ્યમાં 1.40 લાખ આંગણવાડી બહેનો-આશા વર્કરો અચોક્કસ મુદતની હડતાળ પર જશે. આંગણવાડી બહેનોના આંદોલનાત્મક કાર્યક્રમમાં ફિક્સ પગારદાર કર્મચારી અને ભરતીની માંગ કરતાં ઉમેદવારો પણ જોડાશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology