bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

મતદાનના દિવસે રહે ગુજરાત તૈયાર  પારો જશે આસમાને...

 

આજની આગાહી પ્રમાણે, ગુજરાતમાં 24 કલાક દરમિયાન વાતાવરણ યથાવત રહેશે જે બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 39.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 38.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયુ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમરેલી અને ભાવનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે આગામી 24 કલાકમાં એટલે કે મતદાનના દિવસે અમદાવાદમાં 42 ડિગ્રીની આસપાસ, ગાંધીનગરમાં 40 ડિગ્રી, જ્યારે સુરતમાં 39 ડિગ્રી આસપાસ, રાજકોટમાં 40 ડિગ્રી, કચ્છ 41 ડિગ્રીની આસપાસ નોંધાશે. સામાન્ય રીતે મહત્તમ તાપમાન બેથી ચાર વાગ્યા સુધીમાં મેક્સીમમ હોય છે.મોસમ વૈજ્ઞાનિકે આગાહીમાં એમ પણ જણાવ્યુ છે કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ચૂંટણીપંચ દ્વારા મતદાન મથકો પર પુરતી વ્યવસ્થા તો કરવામાં આવી છે પરંતુ કાળઝાળ ગરમીથી બચવા તબીબોએ આરોગ્યની તકેદારી સાથે મતદાનની અપીલ કરી છે. ખાસ કરીને સગર્ભા મહિલાઓ અને ડાયાબીટીસ, બીપી સહિતના દર્દીઓ અને વયોવૃદ્ધ લોકોને હિટ સ્ટ્રોકથી બચવા સવારના સમયે મતદાન કરવા સલાહ આપી છે. તો સાથે જ સુતરાઉ કપડા પહેરવા તથા લીંબુ પાણી, છાશ અને શેરડીના રસ જેવા ઠંડક આપતા પીણાના સેવનની પણ સલાહ આપી.