આજથી યાત્રાધામ અંબાજીમાં પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. ગબ્બર સ્થિત 51 શક્તિપીઠ મંદિર રુટને લઈ પરિક્રમા મહોત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષથી આ મહોત્સવ પાંચ દિવસનો રહેશે. આ માટે આરાસુર મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. એક સાથે 51 શક્તિપીઠના એક જ પવિત્ર સ્થળે દર્શન કરવાનો અનેરો અવસર અંબાજી ગબ્બર ખાતે આવેલ છે.
શક્તિપીઠ ગબ્બર અને 51 શક્તિપીઠ પરિક્રમા જોડાઈને ભક્તો આ અનેરો ભક્તિ મહોત્સવના અવસરનો લાભ પ્રતિ વર્ષ મોટી સંખ્યામાં લેતા હોય છે. પરિક્રમાના પ્રારંભે એટલે કે પ્રથમ દિવસે પાલખી યાત્રા નિકાળવામાં આવશે. જ્યારે શંખનાદ અને શક્તિયાગ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયુ છે. મહાઆરતી અને ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
પાંચ દિવસ દરમિયાન રાજ્ય અને બહારથી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ અહીં ઉમટશે. પ્રતિ વર્ષ ત્રણ દિવસનું પરિક્રમાં આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં ભક્તોની ભીડને ધ્યાને રાખીને હવે પાંચ દિવસનો પરિક્રમા મહોત્સવનું ચાલુ વર્ષથી આયોજન કરવામાં આવ્યુ છે. જેથી ભક્તો માટે વિશેષ આયોજન કરવામાં અને પરિક્રમા કરવામાં ભક્તોને સરળતા રહે.
ભક્તોને માટે પ્રસાદનું આયોજન વિના મૂલ્યે કરવામાં આવ્યુ છે. આ માટે પરિક્રમા મહોત્સવમાં આવનારા ભક્તોને પ્રસાદ ભોજન મળી રહે એ માટે વ્યવસ્થા ઉપલ્બધ કરવામાં આવી છે. તેમજ પરિક્રમા દરમિયાન પાણી અને ચા-નાસ્તાની સગવડ પણ ઉભી કરવામાં આવી છે. માર્ગ પર આ પ્રકારની વ્યવસ્થા અનેક સ્થળો પર ભક્તોને મળી રહે એ પ્રકારે આયોજન કરવામાં આવ્યુ છે.
ગબ્બર પરિક્રમાને લઈ અંબાજી અને ગબ્બર વિસ્તારમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક અને ડીવાયએસપી સહિત મોટો પોલીસ કાફલો અહીં ખડકવામાં આવ્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology