bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજ્યમાં એક જ દિવસમાં 2 નવજાત ત્યજી દેવાની ઘટના, પાટણમાં બાળકી અને અમદાવાદમાં મૃત બાળક મળી આવ્યું...

રાજ્યમાં એક જ દિવસમાં બે નવજાત બાળકો ત્યજી દેવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવે પર ટોલ ટેક્સ પાસે થેલામાં નવજાત બાળક મૂકીને અજાણી વ્યક્તિ ફરાર થઈ ગઈ હતી. આવી જ રીતે પાટણમાં પણ ત્યજી દીધેલી હાલતમાં એક નવજાત બાળકી મળી આવી હતી. હાલમાં બાળકીને સારવાર માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.


મળતી માહિતી અનુસાર બાવળા-બગોદરા હાઈવે પર આવેલા ટોલનાકા પાસે એક અજાણ્યો નવજાત બાળક મૂકીને મૃત હાલતમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. ડિવાઈડર પર લાંબા સમયથી ગુટખાની થેલી પડી હતી, જેને ત્યાંથી હટાવવા જતા અંદર નવજાત બાળક હોવાનું સામે આવ્યું હતું. તેને બહાર કાઢતા બાળક મૃત હતું, આથી 108ને જાણ કરવામાં આવી હતી. જે બાદ 108 દ્વારા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.


તો બીજી બાજુ પાટણમાં પણ આ પ્રકારની જ ઘટના સામે આવી છે. જેમાં સુજનીપુર-સૂર્યનગર નજીકથી કપડામાં વીટેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. રોડ પરથી પસાર થતા ખેડૂતની નજર બાળકી પર પડતા તેણે 108ને જાણ કરી હતી. આ બાદ 108 મારફતે બાળકીને તાત્કાલિક પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યજી દીધેલી બાળકી 2થી 5 દિવસની હોવાનું તબીબોનું અનુમાન છે. હાલમાં બાળકીને ઓક્સિઝન પર રાખવામાં આવી છે અને પાટણ A ડિવિઝન પોલીસે હોસ્પિટલ પહોંચીને બાળકીને ત્યજીદેનારા લોકોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.