bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કચ્છના અંજારમાં કોન્ટ્રાક્ટરનું કારસ્તાન, મજૂરોના બાળકો સૂતા હતા છતાં ઝુંપડપટ્ટીને લગાવી આગ.....

 

અંજારમાં ઝુંપડપટ્ટીમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારને જીવતા સળગાવી નાખવાના ઇરાદે જલદ પદાર્થ છાટી ઝુંપડપટ્ટીમાં આગ લગાડવામાં આવી હતી. ઘરમાં નાના બાળકો ઊંઘી રહ્યા હતા ત્યારે તમામની સામૂહિક હત્યા કરી નાખવાના ઇરાદે કરવામાં આવેલા કૃત્યમાં સદનસીબે લોકો પોતાના બાળકોને લઈ ઘરની બહાર નીકળી જતાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. પરંતુ એક સાથે 12 ઝુંપડપટ્ટી બળીને ખાખ થઈ જતાં ઝુંપડપટ્ટીમાં રહેતા અંદાજિત 50થી વધુ લોકો બેઘર થઈ જતાં રસ્તા આવી જવાનો વારો આવ્યો છે. જોકે આ બનાવ બનતાની સાથે જ પોલીસે આરોપીની અટક કરી લીધી હતી. 


આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંજારના ખત્રીચોક પાસે મોચી બજારમાં ઝુંપડપટ્ટીમાં રહેતા 46 વર્ષીય બદ્રિલાલ ગંગારામ યાદવએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, આરોપી રફીક કુંભાર નામનો ઈસમ ફરિયાદી અને તેના આસપાસના ઝુંપડપટ્ટીઓમાં રહેતા લોકોને મજૂરી કામે લઈ જતો હતો પરંતુ મજૂરીએ લઈ ગયા બાદ કામના રૂપિયા તે આપતો નહીં જેથી ફરિયાદી અને તેની આસપાસના લોકોને આરોપી રફીકને મજૂરી આવવાની ના કહી દીધી હતી. જેથી આરોપીએ તમામને જીવતા સળગાવી નાખવાની ધમકી આપી હતી. જે બાદ રવિવારે સવારે તે ઝુંપડપટ્ટી પાસે આવ્યો હતો. જે સમયે ઝુંપડપટ્ટીમાં બાળકો સુતા હતા ત્યારે તમામને જીવતા સળગાવી નાખવાના ઇરાદે પેટ્રોલિયમ - જલદ પદાર્થ ઝુંપડપટ્ટી પર છાંટી આગ ચાંપી દીધી હતી. જેની જાણ ફરિયાદી અને આસપાસના લોકોને થઈ જતાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને લઈ તેઓ બહાર દોડી ગયા હતા. આ બનાવમાં કોઈને કોઈપણ પ્રકારની ઇજાઓ પહોંચી ન હતી પરંતુ ગણતરીની મિનિટોમાં જ કાચા ઝુંપડપટ્ટી બળીને ખાખ થઈ ગયા હતા. 

આગ લાગતની સાથે જ અંજાર નગરપાલિકાનો સંપર્ક સાધવામાં આવતા ફાયર ટિમ ઘટના સ્થળે પહોચી આવી હતી. પરંતુ આગ કાબુમાં આવે તે પહેલા જ તમામ ઝુંપડપટ્ટી બળીને ખાખ થઈ ગયા હતા. આ બાબતની જાણ થતાં પોલીસ તાત્કાલિક એકશનમાં આવી ગઈ હતી.