ગુજરાત કોંગ્રેસને ફરીથી ઝટકો લાગ્યો છે. કોંગ્રેસમાંથી ઉમેદવારી જાહેર થયા બાદ અચાનક ચૂંટણી લડવાનો ઈન્કાર કરનાર રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. રોહન ગુપ્તાએ રાજીનામાના પત્રમાં નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે તેમને મોટા નેતા દ્વારા અપમાનિત કર્યાનો ઉલ્લેખ પણ કરાયો છે. કોંગ્રેસના સંચાર વિભાગના એક નેતા પર તેમણે મોટા આક્ષેપ કર્યા છે. નોંધનીય છે કે, અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી. પરંતુ થોડા દિવસ પહેલા જ અંગત કારણોસર ચૂંટણી નથી લડવાનું તેમણે જણાવ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, પિતા રાજકુમાર ગુપ્તાની તબીયત નાદુરસ્ત હોવાનું કારણ આગળ કર્યુ હતુ.
રોહન ગુપ્તાએ મલ્લિકાર્જુન ખડગેને રાજીનામા અંગેનો પત્ર લખ્યો છે. જેમા તેમણે અનેક ગંભીર આક્ષેપો લગાવ્યા છે. આ પત્રમાં તેમણે લખ્યુ છે કે, ‘મને જણાવતા ઘણું દુખ થાય છે કે, છેલ્લા બે વર્ષથી કોમ્યુનિકેશ ડિપાર્ટમેન્ટના સીનિયર લીડર દ્વારા સતત મારા પર ચારિત્ર્ય અંગેના આક્ષેપ કરવામાં આવતા હતા. (જે અંગેની જાણ મેં પાર્ટીના મોટા નેતાઓને કરી હતી) આ સાથે મારા અંગત કારણોને કારણે મેં રાજીનામાનો નિર્ણય લીધો છે.’
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, ‘મેં પાર્ટીને 13 વર્ષ આપ્યા છે. જેમા મેં મારી જવાબદારીઓ પ્રમાણિકતા અને સિન્સયારીટીથી નિભાવી છે.’
થોડા દિવસ પહેલા આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર તેમણે માહિતી આપી હતી. રોહન ગુપ્તાએ ‘X’ પર કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારા પિતાના ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિના કારણે હોસ્પિટલમાં દાખલ છે અને હું કોંગ્રેસના ઉમેદવાર તરીકે અમદાવાદ પૂર્વ સંસદ બેઠક માટે મારી ઉમેદવારી પાછી ખેંચી રહ્યો છું. હું પક્ષ દ્વારા નામાંકિત નવા ઉમેદવારને સંપૂર્ણ સમર્થન આપીશ.’
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology