bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

બમ..બમ.. ભોલે આજથી શિવરાત્રી મેળાનો પ્રારંભ...  

 

દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનુ આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ભવનાથમાં પરંપરા મુજબ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. 5 માર્ચથી 8 માર્ચ સુધી ચાલનારા આ મેળામાં આવતા ભાવિકોને કોઈ જાતની અગવડ ન પડે તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

મહાશિવરાત્રીના મેળાને લાખો ભાવિકોની આસ્થા, આગમન તેમજ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ માનવામાં આવે છે. ચાર દિવસ સુધી ચાલતા આ પ્રસિદ્ધ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી એસટી નિગમ દ્વારા ખાસ વધારાની બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળો શરૂ થવાના બે દિવસ અગાઉથી જ ભવનાથ તળેટીમાં સાધુ સંતોનું આગમન શરૂ થઈ ગયુ છે. ભવનાથ મહાદેવના મંદિરમાં ધજારોહણ સાથે મેળાનો વિધિવત પ્રારંભ થાય છે.

મેળામાં ત્રણ અખાડામાં ધ્વજારોહણ થાય છે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતો વહેલી સવારે મૃગીકુંડમાં સ્નાન કરે છે અને આ સ્નાન બાદ મેળો સંપન્ન થાય છે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠમાં લોકો ભગવાન શિવની ભક્તિમાં લીન થાય છે અને જય ગિરનારી, બમ બમ ભોલે અને હરહર મહાદેવના નારા સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે.

મહાશિવરાત્રીના મેળા દરમિયાન વન વિભાગનો સ્ટાફ પણ મેળામાં વ્સસ્ત રહેતા હોવાથી પાંચ દિવસ સુધી ગીર નેચર સફારી પાર્ક બંધ રાખવામાં આવે છે. જુનાગઢ ગીરનાર અને ભવનાથ તળેટી સહિત આસપાસના ગામોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવા તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે. તંત્રએ શિવરાત્રિના મેળા દરમિયાન પણ પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગીરનાર પર્વત પર પર્યાવરણ સંરક્ષણ અને કચરાની સફાઇ મુદ્દે છેલ્લા કેટલાંક સમયથી વિવાદ ચાલતો હતો. આ સફાઈ અંગેનો વિવાદ અને પ્લાસ્ટિકનો મુદ્દો હાઇકોર્ટ સુધી પણ પહોંચ્યો છે. ત્યારે હાઇકોર્ટની ફટકાર બાદ તંત્રએ પ્લાસ્ટિક પ્રતિબંધની કામગીરી કરી છે. તંત્રએ શ્રદ્ધાળુઓને પણ અપીલ કરી છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. જો કોઇ વ્યક્તિ પાસે પ્લાસ્ટિક મળશે તો દંડનીય કાર્યવાહી કરાશે.