bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

નીતિન પટેલે મહેસાણા બેઠક પર પોતાની દાવેદારી  પરત ખેંચી...

મહેસાણા લોકસભાની બેઠક ખૂબ જ ચર્ચામાં રહી છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે લોકસભા લડવા માટે મહેસાણાથી દાવેદારી નોંધાવતા જ બેઠક પર ચર્ચા વધી ગઈ હતી. બીજી તરફ રવિવારે નીતિન પટેલે પોતાની દાવેદારી પરત ખેંચી લેવાની જાહેરાત કરતા જ મહેસાણાનું રાજકારણ ફરી ચર્ચાઓમાં આવ્યુ હતુ. નીતિન પટેલની દાવેદારી પરત ખેંચાતા હવે લોકસભાના મજબૂત દાવેદાર કોણ એ વાતને લઈ સવાલો અને ચર્ચાઓનું જોર વધ્યુ હતુ.

જોકે મહેસાણા બેઠક માટે નીતિન પટેલના અંગત વિશ્વાસુ અને કડીના વલ્લભ પટેલ મજબૂત દાવેદાર હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જેમના નામ પર સહમતી સધાઇ રહી હોય એવી ચર્ચાઓ વચ્ચે નીતિન પટેલે આ માટે દાવેદારી પરત ખેંચી હોવાનું પણ માનવામાં આવી રહ્યુ છે. શૈક્ષણિક સંસ્થાઓ ધરાવતા વલ્લભ પટેલ હવે મજબૂત દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે. આ સાથે જ બીજુ નામ મજબૂત દાવેદાર તરીકે પૂર્વ IAS અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ એમએસ પટેલ પણ દાવેદાર માનવામાં આવી રહ્યા છે