bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ડોકટરની ગંભીર બેદરકારી!! જંબુસરમાં સિઝેરિયન બાદ મહિલાના પેટમાં કપડું ભૂલી ગયા ડોક્ટર...  

ભરૂચના જંબુસરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રસૂતિમાં સીઝર ઓપરેશન દરમિયાન ડોક્ટર કોટનનું કપડું મહિલાના પેટમાં જ ભૂલી ગયા. 2 મહિનાથી દર્દથી પીડાતી મહિલાના પેટમાંથી છેવટે આ કપડું સુરતની ખાનગી હોસ્પિટલના ડોકટરોએ બહાર કાઢયું હતું. હાલ મહિલા અને તેમના પતિએ આ મામલે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી ડોક્ટર સામે કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં રહેતાં શૈલેષભાઈ સોલંકીના લગ્ન જંબુસર ખાતે રહેતા અમિષાબેન સાથે થયાં હતાં. તેમના પત્ની અમિષાબેન ગર્ભ રહેતાં તેઓ તેમના પિયર જંબુસર આવી ગયા હતા. જે બાદ ગત 22 સપ્ટેમ્બરના રોજ અમિષાબેનને પ્રસુતિ માટે જંબુસરની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં હતા. જંબુસરની હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.ચાર્મી આહીરે અમિષાબેનનું સિઝેરીયન ઓપરેશન કર્યું હતું. ઓપરેશન બાદ અમિષાબેનનું પેટ ફૂલાઈ ગયું હતું અને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો, જેથી ડોક્ટર ચાર્મી આહીરે તેમને દવા પણ આપી હતી. ડિલિવરી બાદ અમિષાબેન સુરત ચાલ્યા ગયા હતા. જ્યાં તેમના પેટમાં સતત દુખાવો રહેતા તેઓએ ડોક્ટર પાસે જઈને સોનોગ્રાફી કરાવી હતી. સોનોગ્રાફીમાં જે સામે આવ્યું તે જાણીનેબધા ચોંકી ગયા હતાં. સોનોગ્રાફી કરાવતાં અમિષાબેનના પેટમાં કપડું રહી ગયું હોવાનું માલુમ પડ્યું હતું.

ત્યારબાદ તેઓએ આ મામલે ચાર્મી આહીરનો સંપર્ક કર્યો હતો. તેમણે તેમની હોસ્પિટલમાં પુરતા સંસાધન ન હોવાનું કહીને બચવાનો પ્રયાસ કર્યો હતો.  જેથી શૈલેષભાઈ તેમના પત્નીને લઈને સીધા સુરતની ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ડોક્ટરોએ ઓપરેશન કરીને તેમના પેટમાંથી કપડુ બહાર કાઢ્યું હતું.  મહિલા અને તેમના પતિએ આ મામલે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.