તમે શહીદોના સ્મારક જોયા હશે, પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે ચકલીનું સ્મારક હોય અને એ પણ શહીદ ચકલીનું. માનવામાં નહિ આવે પણ એક ચકલી જે પોલીસ ફાયરિંગમાં શહીદ થઈ હતી તેનું સ્મારક અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારની ઢાળની પોળમાં બનેલું છે. આ ચકલીનું સ્મારક જીવદયાની લાગણી દર્શાવે છે. આ ચકલીનું સ્મારક પુરાવો છે કે એક અબોલ જીવના જીવનની પણ કેટલી કિંમત હોય છે.
તમને સવાલ એ થશે કે એક નાનકડી ચકલી કઈ રીતે શહીદ થઈ. ચાલો જાણી લઈએ આખી વાત. આ ઘટના 1974ની છે. જ્યારે અમદાવાદમાં નવનિર્માણનું આંદોલન ચાલી રહ્યું હતું. આ આંદોલન એટલું વિકરાળ બન્યુ કે રાજ્યમાં ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આંદોલનને કાબુમાં લેવા માટે પોલીસ દમન પણ થયું. વિરોધ હિંસક બન્યો, ક્યાંક ક્યાંક પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે અથડામણ પણ થઇ હતી. કેટલીક જગ્યાએ પોલીસે પરિસ્થિતિ કાબુમાં લેવા ગોળીબાર કરવો પડ્યો હતો. સૌથી વધુ અસર આંદોલનની અમદાવાદમાં જોવા મળી હતી એક સમયે તો પરિસ્થિતિ એટલી વણસી ગઇ હતી કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ હતી જેને કારણે લશ્કરને બોલાવવું પડ્યુ હતું.
બસ અમદાવાદમાં 2 માર્ચ 1974ના રોજ પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે આવી જ ઉગ્ર અથડામણ થઈ હતી. પોલીસે ફાયરિંગ કર્યું અને કહેવાય છે કે પોલીસ ફાયરિંગમાં દાણા ચણતી એક નિર્દોષ ચકલી હણાઈ ગઈ હતી. આજે પણ જો તમે ઢાળની પોળમાં જશો તો ત્યાં સફેદ આરસના પત્થર કોતરીને આ ચકલીનું સ્મારક બનેલું દેખાશે. જેના પર લખેલું છે,'1974ના રોટી રમખાણમાં (નવ નિર્માણ આંદોલન) 2 માર્ચ 1974ના રોજ સાંજે 5:25 વાગે એક અબોલ ચકલીનું પોલીસના બેફામ ગોળીબારમાં દુઃખદ અવસાન થયું હતું.' તે સમયે આ ઘટનાના સાક્ષી બનેલા કેટલાક સ્થાનિકો આજે પણ પોળમાં મોજૂદ છે. જેઓ યાદ કરતા કહે છે કે ચકલીના મોત પછી બે દિવસ ચબૂતરો ખાલી પડ્યો રહ્યો હતો. આખરે જયેન્દ્ર પંડિત નામના સ્થાનિકે સાથે રહીને આ સ્મારક બંધાવ્યું.
ઉલ્લેખનીય છે કે એક તરફ ચકલીઓની સંખ્યા ઘટી રહી છે, કદાચ ચકલી નામશેષ જ થઈ છે. ત્યારે અમદાવાદીઓએ બનાવેલું આ ચકલીનું સ્મારક જીવદયાની લાગણી દર્શાવે છે. આ ચકલીનું સ્મારક પુરાવો છે કે એક અબોલ જીવના જીવનની પણ કેટલી કિંમત હોય છે. અત્યારે તો બસ ચકલીઓને એટલી સાચવીએ કે ભવિષ્યની પેઢીને કદાચ આવા સ્મારકો જોઈને જ સંતોષ ન માનવો પડે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology