bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આજે અમદાવાદ સ્થાપના દિવસ : જાણો તેની પાછળનો ઈતિહાસ...

 


અમદાવાદ  શહેરની સ્થાપનાને આજે 613 વર્ષ પૂર્ણ થયાં છે. તા. ૨૬ ફેબ્રુઆરી, ૧૪૧૧એ અમદાવાદની સ્થાપના  અહમદશાહ બાદશાહે કરી હતી, જોકે અહમદાબાદથી અપભ્રંશ થઈને અમદાવાદ તરીકે ઓળખાતા આ શહેરનાં બે-ત્રણ અન્ય જૂનાં-પુરાણાં નામ પણ છે, જેમ કે રાજનગર, આશાવલ અને કર્ણાવતી નામ એક અથવા બીજા સમયે પ્રચલિત રહ્યાં છે, 

બીજી તરફ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો તેના અહમદાબાદ નામના કારણે મળ્યો હોવાની બાબત પણ તે સમયે ચર્ચાસ્પદ બની હતી, જોકે શહેરને યુનેસ્કો દ્વારા વર્ષ ૨૦૧૭માં વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો તેના પ્રાચીન સ્થાપત્યના આધારે અપાયો હતો. ઉપરાંત તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરીને યુનેસ્કોમાં મોકલાવાયેલા ડોઝિયરમાં આ શહેર આશા ભીલના કારણે આશાવલ, રાજા કર્ણદેવથી કર્ણાવતી અને સુલતાન અહમદશાહના નામથી અહમદાબાદ તરીકે ઓળખાતું રહ્યું છે, જેમાં શહેરના જૈન સમાજના લોકો દ્વારા 'રાજનગર' તરીકેની ઓળખાણનો પણ ઉલ્લેખ કરાયો છે એટલે મ્યુનિ. હેરિટેજ વિભાગ અમદાવાદનું નામ બદલવાથી તેનો હેરિટેજ સિટીનો ખિતાબ છીનવાઈ જશે તેમ માનતો નથી. યુનેસ્કોમાં શહેરના નામને લગતી કોઈ ચોક્કસ શરત નથી. તુર્કીના ઈસ્તંબૂલ જેવા પ્રાચીન શહેરનાં નામકરણ ઉદાહરણરૂપે છે.
 
    
અમદાવાદનું નામ પહેલા કર્ણાવતી નામથી ઓળખાતું હતું અને 1411માં મુઝફ્ફર વંશના સુલ્તાન અહમદ શાહે તેનું નામ બદલી નાખ્યું. જ્યારે તેમણે રાજા કર્ણદેવ પ્રથમ પાસેથી જીતી લીધું હતું. અહીં કેટલીય મસ્જિકો તે સમયની વાસ્તુકલાને દર્શાવે છે. જ્યારે મહાગુજરાત આંદોલન બાદ બોમ્બે સ્ટેટથી અલગ થઈને મહારાષ્ટ્ર અને ગુજરાત બન્યા તો, 1960થી 1970 સુધી અમદાવાદ ગુજરાતની રાજધાની બની. ત્યાર બાદ નવા શહેરની ડિઝાઈન કરીને વસાવ્યા અને તેનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું. આજે ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. આજે પણ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદમાં આવેલી છે. અમદાવાદને ગુજરાતનું આર્થિક કેન્દ્ર માનવામાં આવે છે.

છેલ્લાં વીસથી વધુ વર્ષથી ભાજપના શાસનકાળમાં કર્ણાવતીનો મામલો ચર્ચાતો રહ્યો છે. ઠરાવ પણ સરકારી ફાઇલમાં ધૂળ ખાતો પડ્યો છે, જોકે હવે 'મિમ'ના કારણે અમદાવાદના નામકરણનો વર્ષોજૂનો વિવાદ વધુ ઉગ્ર બની શકે છે. ઉલ્લેખનીય છે કે લઘુમતી સમાજના કેટલાક લોકો અહમદશાહ બાદશાહની યાદમાં આજે પણ શહેરને ‘અહમદ આબાદ’ તરીકે જ ઓળખાવે છે.