bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

જાફરાબાદમાં દરિયામાં ડૂબવાથી સિંહણનું મોત, રાજ્યની સૌપ્રથમ ઘટના...

ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની દરિયાઈ બોર્ડરમાં સિંહને લઈ બે ઘટના સામે આવી છે. રાજ્યમાં દરિયામાં ડૂબી જવાથી સિંહણના મોતની સૌ પ્રથમ ઘટના જાફરાબાદ દરિયા કિનારે બની છે. જાફરાબાદના ધારાબંદર નજીક દરિયામાંથી એક સિંહણનો મૃતદેહ મળ્યો છે. વનવિભાગે મૃતદેહ કબજે લીધો હતો. જ્યારે ઉનાના ખત્રીવાડા દરિયાઈ ખાડીમાં સિંહબાળ ફસાયું હતું. જેનું રેસ્ક્યુ કરી વનવિભાગે બચાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં હવે સિંહો ગીર જંગલ ગ્રામ્ય વિસ્તાર બાદ હવે દરિયા કિનારે અવર જવર વધતા વનવિભાગ ચિંતિત છે.

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 238 સિંહોના મોત થયા હોવાના આંકડા સામે આવ્યા હતા.  છેલ્લા બે વર્ષમાં અનુક્રમે રૂ. 115 કરોડ અને રૂ. 162 કરોડ મળીને કુલ રૂ. 277 કરોડનો ખર્ચ કરાયો છે. આમ છતાં કુદરતી અને અકુદરતી ઉપરાંત વિવિધ કારણોસર આ સમયગાળામાં 118 સિંહબાળ, 43 સિંહણ અને 43 સિંહોના કુદરતી મૃત્યુ નિપજ્યાં હોવાનું સરકારે સત્તાવાર રીતે જણાવ્યું છે.