અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં આવેલા મેટ્રો મેન્સન ફ્લેટના બેસમેન્ટમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની ઘટનામાં બેઝમેન્ટમાં પાર્ક કરેલા 3 રિક્ષા સહિત 41 વાહનો બળીને ખાખ થઈ ગયા છે. તો આ દુર્ઘટનામાં એક મહિલાનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે. હાલ તો આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના ફતેવાડી વિસ્તારમાં મસ્તાન મસ્જિદ પાસે આવેલા મેટ્રો મેન્સન ફ્લેટમાં મોડી રાતે 3.30 વાગ્યાની આસપાસ આગ લાગતા રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી. આગ લાગતા જ રહીશો જાગી ગયા હતા અને ચીસાચીસો કરવા લાગ્યા હતા. આગથી બચવા લોકો ધાબે જતા રહ્યા હતા. આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની 9 જેટલી ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવાની અને સ્થાનિકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન ફાયરની ટીમે 200 જેટલા લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું.
આ આગ એટલી ભયાનક હતી કે પાર્કિગમાં રહેલા ટુ-વ્હિલરો અને રિક્ષાઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આશરે 2 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. ફ્લેટના રહીશોએ કેટલાક અસમાજિક તત્વોએ આ આગ લગાવી હોવાનો આક્ષેપ કર્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology