bs9tvlive@gmail.com

23-May-2025 , Friday

હવામાન વિભાગે આ જિલ્લાઓમાં કરી હિટવેવની આગાહી, પાંચ દિવસમાં બેથી ત્રણ ડિગ્રીનો થશે વધારો...

રાજ્યમાં ઉનાળા પહેલા જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. અનેક શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રી સુધી પહોંચ્યો છે.  ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હિટવેવની આગાહી કરી છે.  હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આવનારા પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે.

આવનારા પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમી અને ભેજના કારણે ડિસકમ્ફર્ટ જેવી પરિસ્થિતિ રહી શકે છે. આગામી પાંચ દિવસમાં કંડલા અને પોરબંદરમાં હિટવેવની શક્યતા છે. હાલમાં પોરબંદરમાં તાપમાન 38 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે કંડલામાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હીટ સાથે એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, બોટાદ,મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત આણંદ,ભરુચ, ગીર સોમનાથ, કચ્છ, ખેડા, નવસારી,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમદાવાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા,ગાંધીનગર, જામનગર, મહેસાણા, પાટણ, સુરત, તાપી સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.