bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજકોટ; જેતપુર માર્કેટ યાર્ડમાં વેપારીઓ સાથે મારામારી,જણસી નાખવા આવેલા ચાલકે લોકો પર વાહન ચઢાવવાનો કર્યો પ્રયાસ...

 


રાજકોટઃ જેતપુર માર્કેટ યાર્ડમાં વેપારી પર કાર ચઢાવી દેવાની કોશિશ થઈ હોવાની ઘટના બની છે. જણસી આપવા આવેલી કાર વેપારી પર ચઢાવી દેવાનો પ્રયાસ થયો હતો. આ દરમિયાન ત્યાં હાજર વેપારીઓ સહિતના લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. કારના કારણે અન્ય લોકો પર પણ ખતરો ઉભો થયો હતો. આ ઘટનામાં ત્રણ વેપારીઓ ઘાયલ પણ થયા છે. વેપારી પર કાર ચઢાવવાની કોશિશ પાછળનું કારણ અંગત અદાવત હોવાની શક્યતાઓ હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. હવે આ મામલે વધુ તપાસમાં હકીકત સામે આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. 

જેતપુર માર્કેટ યાર્ડમાં બનેલી ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં દેખાય છે કે વેપારીઓ ઉભા છે તે જગ્યા પરથી એક માલ સામાન લઈ જતું વાહન તેમના પરથી ચઢાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જણસી નાખવા આવેલા બોલેરો કારના ચાલકે ત્રણ જેટલા વેપારીઓને માર માર્યાની પણ ઘટના બની છે. ઘાયલ થયેલા વેપારીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મરચાં ઉતારવાની બાબતે બોલાચાલી થયા પછી ઉશ્કેરાયેલા વ્યક્તિએ વેપારી પર માલ-સામાનનું વાહન ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે જોકે વાહન ચાલક ફરાર થઈ ગયો છે. હવે તપાસ દરમિયાન વધુ ખુલાસા થઈ શકે છે.

બનાવ બાદ માર્કેટ યાર્ડમાં વેપારીઓએ હરાજી બંધ કરવાનો નિર્ણય લીધો છે. જે રીતે કાર લોકોના ટોળાની વચ્ચેથી પસાર થઈ તે જોતા સ્થિતિ ગંભીર જણાવાઈ રહી છે. વેપારીઓ દ્વારા પણ આ ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.