bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

યુવકની બાળપણની તસવીરને અશ્લીલ ગણાવી ગૂગલે એકાઉન્ટ કર્યું બ્લોક, ગુજરાત હાઈકોર્ટે ફટકારી નોટિસ...

 

ગુજરાતના એક યુવકે ગૂગલ ડ્રાઇવ પર તેની બાળપણની તસવીર પોસ્ટ કરી. જેના પગલે ગૂગલે તેના એકાઉન્ટને બ્લોક કરી દીધુ હતું. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર, કેન્દ્ર અને ગૂગલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને નોટીસ ફટકારી છે.

24 વર્ષના એન્જિનિયર નીલ શુક્લાએ જણાવ્યું કે આ ફોટો તે સમયનો છે જ્યારે તે માત્ર 2 વર્ષનો હતો. તેની દાદી તેને નવડાવી રહી હતી અને તે નગ્ન હતો. ગૂગલની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે આ ફોટોને ચાઈલ્ડ પોર્ન ગણીને તેનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. નીલે જણાવ્યું કે ગયા વર્ષે એપ્રિલમાં તેણે ગૂગલ ડ્રાઇવ પર તેના ફોટા અપલોડ કર્યા હતા, ત્યારબાદ તેનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું હતું. એકાઉન્ટ બ્લોક થવાને કારણે ઈમેલ ઓપન થઈ રહ્યાં નથી અને બિઝનેસને નુકસાન થઈ રહ્યું છે. શુક્લાએ પોતાનું એકાઉન્ટ રિસ્ટોર કરવા માટે ગૂગલનો સંપર્ક કર્યો પરંતુ ગૂગલે તેમ કર્યું નહીં. જે બાદ યુવકે હાઈકોર્ટમાં અરજી કરવી પડી હતી.

એડવોકેટ દીપેન દેસાઈએ કેસની વહેલી સુનાવણીની માંગ કરતા કહ્યું કે નીલને હમણાં જ ગૂગલ તરફથી એક નોટિસ મળી છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેના એકાઉન્ટ સાથે સંબંધિત ડેટા એપ્રિલમાં કાઢી નાખવામાં આવશે. આ સાથે, યુવકની તમામ તારીખો કાઢી નાખવામાં આવશે. કેસની સુનાવણી બાદ જસ્ટિસ વીડી નાણાવટીએ અધિકારીઓ અને ગૂગલને નોટિસ જારી કરીને 26 માર્ચ સુધીમાં જવાબ માંગ્યો છે.

એન્જીનિયર નીલે જણાવ્યું કે, નહાતા ફોટાને ચાઈલ્ડ પોર્નોગ્રાફી માનીને ગૂગલે એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું, ત્યારબાદ તેણે પોતાના અન્ય એકાઉન્ટથી કામ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જોઈન્ટ વેરિફિકેશનને કારણે તે આઈડી પણ બ્લોક થઈ ગઈ હતી. અનેક વખત ફરિયાદ કરવા છતાં આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. ત્યારબાદ ગુજરાત પોલીસ અને કેન્દ્રના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો, જે ભારતમાં આવા કેસો માટે નોડલ એજન્સી છે. પરંતુ શુક્લાએ કહ્યું કે અધિકારીઓ મૌન રહ્યા, તેમને ન્યાયિક ઉપાયો શોધવાની ફરજ પડી.