રાજ્યમાં દરરોજ એકાદ-બે હિટ એન્ડ રનની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના વડોદરામાં બની હતી. વિગતો મુજબ વડોદરાના ફતેગંજમાં રવિવારે ફિઝિયોથેરાપી અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને એક બેફામ બનેલ કારચાલકે અડફેટે લીધા હતા. આટલું જ નહિ આ બેફામ કારચાલકને જાણે કાયદાનો ડર જ ન હોય તેમ એક્ટીવાને ટક્કર માર્યા બાદ તેને ભાગી જવાનો ન માત્ર પ્રયાસ કર્યો પણ તેનો પીછો કરતાં વ્યક્તિઓને પણ આ માથાભારે ચાલકે અડફેટે લેવાનો પ્રયાસ કર્યો. જોકે બાદમાં ચાલક પકડાઈ ગયો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા.
આરોપી નબીરાને છોડાવવા ખુદ સાંસદ રંજનબેન ભટ્ટ મેદાનમાં ઉતર્યા. જે આરોપીની રાત્રે 8:25 કલાકે આરોપીની ધરપકડ થઇ અને માત્ર પોણા બે કલાકમાં જ 10:15 વાગે જામીન પર ખુદ સાંસદ છોડાવી ગયાં હતાં. હવે આ ઘટનાને વડોદરામાં એવી ચર્ચા છે કે, જો તમે સાંસદ રંજનબેન ભટ્ટને ઓળખતા હોવ તો હિટ એન્ડ રન કેસમાં પણ પોલીસ તમારું કંઇ નહીં બગાડી શકે.
સંસ્કારી નગરી વડોદરામાં એક હિટ એન્ડ રનની ઘટના બને છે અને આરોપીને છોડાવવા ખુદ સાંસદ મેદાનમાં ઉતરે છે. વાત જાણે એમ છે કે, આ ઘટના પછી વડોદરામાં સાંસદ રાખે તેને કોણ ચાખે જેવો ઘાટ જોવા મળ્યો છે. આ કેસની વિગત જોઈએ તો વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં હિટ એન્ડ રનનો કેસ નોંધાયો હતો. જેમાં રોંગસાઇડમાં આવતા 2 વિદ્યાર્થીને કારચાલક કુશ પટેલે કચડવાનો પ્રયાસ કરતાં ફતેગંજ પોલીસ આરોપીને પકડીને પોલીસ સ્ટેશન લઇ આવી હતી.
આ તરફ આરોપી કુશ પટેલ સામે ફરિયાદ નોધાઇ ગયા બાદ ખુદ સાંસદ રંજનબેન ભટ્ટ આરોપીને છોડાવવા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. 2 વિદ્યાર્થીને ટક્કર મારનાર હિટ એન્ડ રન કેસના આરોપી કુશ પટેલ સાંસદ રંજનબેન ભટ્ટનો પાડોશી છે. સાંસદ રંજનબેન ભટ્ટે પહેલો સગો તે પાડોશી ધર્મને અપનાવી કાયદાને કોરણે કરી પોલીસ સ્ટેશનમાંથી આરોપીને છોડાવી ગયા. વિગતો મુજબ અકસ્માત બાદ ભાગી જવાના કેસમાં આરોપી કુશ પટેલ પહેલાથી જ 2 ગુનાને અંજામ આપી ચૂક્યો છે.
આ તરફ સાંસદે કાયદો અને ટ્રાફિક સુરક્ષાની ઐસીતૈસી કરી ગંભીર ગુનો આચરનારને પોલીસ સ્ટેશનમાંથી છોડાવી ગયા હતા. હિટ એન્ડ રનના આરોપીના આરોપીને પોલીસ સ્ટેશનમાં છોડાવવા ગયેલા સાંસદનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં તેઓ આરોપી કુશ પટેલ સાથે હાથ મીલાવી રહ્યા છે. આ સાથે આ વિડીયોમાં સાંસદ રંજનબેન ભટ્ટ આરોપીને કહી રહ્યા છે કે, આ તો જિંદગીનો અનુભવ છે
વડોદરાના રાજમહેલ રોડ પર કાર આંતરી લોકોએ આરોપી ઈસમને રાવપુરા પોલીસને હવાલે કર્યા બાદ ફતેગંજ પોલીસ મથકે લવાયો હતો. આ તરફ પૂછપરછમાં ચાલક ન્યૂ સમા રોડ મુક્તિધામ સોસાયટીનો 20 વર્ષીય કુશ પટેલ હોવાનું ખૂલ્યું હતું. આ સાથે કારમાં યુવતી સહિત 3 લોકો હતા જેમાંથી યુવતીના લગ્ન હોવાથી લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ફોટોસેશન માટે જતાં હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં આરોપી ઈસમ સામે આઇપીસી કલમ 279, 337, 338 અને મોટર વ્હીકલ એક્ટ 117, 184 અને 134 હેઠળ ગુનો નોંધાયો હતો
આ તરફ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ કહી રહ્યા છે કે, હું દિલ્હીથી આવી ત્યારે મને જાણ થઈ. મારી પહેલાં બંને ઇજાગ્રસ્તને મળવા સોસાયટીના લોકો ગયા હતા. ઇજાગ્રસ્તે ફરિયાદ કરી નથી. આ સાથે સાંસદે કહ્યું કે, આ ઘટનામાં ઇજાગ્રસ્તના કાકા સાથે વાત કરી તો તેમણે પણ ફરિયાદ કરવાની ના પાડી હતી. તો વળી તેમણે ઉમેર્યું કે, અકસ્માત કરનાર યુવકને જામીન મળ્યા બાદ ઘરે લવાયો છે. બંને પક્ષે સમાધાન થાય તેવો આશય હતો, જે થયું તે ખોટું થયું છે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology