bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

'અગ્નિકાંડ બાદ માત્ર નાના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી' કોંગ્રેસે ફરી સરકાર પર લગાવ્યા આરોપ...  

રાજકોટના TRP ગેમઝોનમાં 30થી વધુ લોકો હોમાઈ ગયા બાદ વહીવટી તંત્ર દ્વારા જવાબદારો સામે કડક પગલા હાથ ધરવામાં આવ્યા છે. આ મામલે ઝડપી તપાસ ચાલી રહી છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે, જવાબદાર લોકો સામે પગલાં લેવાઈ રહ્યા છે. સાથે જ આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી છે. ત્યારે હવે TRP અગ્નિ કાંડ મામલે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી પોલીસ તપાસ પર આક્ષેપ કર્યા છે.

  • TRP અગ્નિકાંડ અંગે કોંગ્રેસના સરકાર પર આરોપ

કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અગ્નિકાંડ મામલે હજુ પણ કેટલાક લોકોને છાવરવામાં આવી રહ્યા છે. માત્ર નાના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. અમે રાજકોટ કલેકટરને અરજી કરશું કે લોકમેળામાં સ્ટોલ આપવામાં આવે. કોંગ્રેસ લોકમેળામાં ન્યાય માટે સ્ટોલ મુકવા અરજી કરશે. અમારી માહિતી મુજબ સાગઠીયાએ કેટલાક ભાજપના પદાધિકારીઓના નામ આપ્યા છે. પોલીસની પાસે નામ છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. સાગઠીયાએ રમેશ રૂપાપરાનું નામ આપ્યું છે છતાં કાર્યવાહી નથી કરી.

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું કે અમે આવતીકાલે રાજકોટના કલેકટરને મળવાના છીએ અને તેમની પાસેથી માંગણી કરવાના છીએ કે રાજકોટના લોકમેળામાં લોકજાગૃતિ માટે અમને ત્યાં સ્ટોલ ફાળવવામાં આવે. અમારી વાત એ છે કે જો સરકાર એની વાહવાહ કરવા માટેના સ્ટોલ મેળામાં નાખી શકતી હોય તો સરકારની જે નબળી વાત છે એ પણ લોકો સુધી પહોંચાડવાનો મોકો અમને પણ મળવો જોઈએ.

વધુમાં સરકાર પર આક્ષેપો કરતા તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર કરનારને છાવરવામાં આવી રહ્યા છે. અમારી માહિતી મુજબ સાગઠીયાએ ભાજપના પદાધિકારીઓના નામ પણ આપ્યા છે. મને કોઈએ એમ પણ કહ્યું છે કે જે નામ આપ્યા છે એમાં રૂપાપરાનું પણ નામ છે. સરકાર શા માટે આમાં પગલાં નથી લેતી. ભ્રષ્ટાચાર કરનારાઓ તો બહાર છે. ભાજપ રસ્તા હોય કે બાંધકામ હોય, દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર કરી રહી છે. વધુ ચિંતાની વાત તો એ છે લોકોનો જીવ જતો હોય તો જાય પણ ભ્રષ્ટાચાર થવો જોઈએ એ હદ સુધી આ લોકો પહોંચી ગયા છે એટલે અમારે જાગૃતિના કાર્યક્રમ કરવા પડે છે.