દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની વધુ એક ઈનિંગ્સનો ધમાકેદાર પ્રારંભ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના 12 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સૌથી ડાંગના સાપુતારામાં 9 ઈંચ, આહવામાં 7.4 ઈંચ, નવસારીના ખેરગામમાં 7.8 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચોમાસાની વર્તમાન સિઝનનો 23 ઈંચ સાથે 67 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે (પાંચમી ઓગસ્ટ) બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જ્યારે પાટણ, મહેસાણા, સુરત, ડાંગ, તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.
વલસાડમાં ઔરંગા નદીનું જળસ્તર વધતા હિંગળાજ ગામ ખાતે ઝીંગા ફાર્મમાં સાત માછીમારો ફસાયા હતા. મોડી રાત્રે NDRFદ્વારા માછીમારોનું રેસ્ક્યુ કરાયું હતું. આ ઘટનાને લઈ TDO અને મામલતદાર અને વલસાડ રૂરલ પી.આઈ સહિતની ટિમ સ્થળ પર પહોંચી હતી.
રાજ્યમાં રવિવારે (ચોથી ઓગસ્ટ) 105 તાલુકામાં મેઘ મહેર થઈ હતી. જેમાંથી દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સતત બીજા દિવસે આક્રમક રીતે વરસતા 9 ઇંચ સુધીનો વરસાદ નોંધાવા સાથે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ હતી. દક્ષિણ ગુજરામાં 172 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવા પડયા હતા. ડાંગના સાપુતારામાં 9 ઈંચ, આહવામાં 7.4 ઈંચ, નવસારીના ખેરગામમાં 7.8 ઈંચ, વાંસદામાં 7.2 ઈંચ સહિત સર્વત્ર મેઘ મહેર જોવા મળી હતી. નવસારી જિલ્લાની ત્રણ નદીમાં આવેલા ઘોડાપૂરના પાણી કાંઠા વિસ્તારઅને નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા જનજીવન પ્રભાવિત થવા સાથે સ્થળાંતર પણ કરાવાયું હતું.
ડાંગ જિલ્લામાં સાંબેલાધાર સરેરાશ 6.6 ઈંચ વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહેવા લાગતા 19 માર્ગો બંધ થયા હતા. ગિરિમથક સાપુતારામાં સૌથી વધુ 9 ઈંચ સહિત સાર્વત્રિક વરસાદ પડતા જિલ્લો પાણીથી તરબોતર થયો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology