bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

જામનગરમાં અંદાજે 300 જેટલા ધાર્મિક સ્થાનોને મનપાની એસ્ટેટ શાખાએ નોટિસ આપી...   

 

ગુજરાત સરકારના પરિપત્રને લઈ જામનગર શહેરના અંદાજે 300 જેટલા ધાર્મિક સ્થાનોને નોટિસ બજવામાં આવી. જામનગર મનપાની એસ્ટેટ શાખા દ્વારા બીપીએમશી 1949 કલમ 498 એક એક્ટ હેઠળ શહેરના 300 જેટલા ધાર્મિક સ્થળોને જમીનના આધાર પુરાવો એક અઠવાડિયામાં રજૂ કરવા નોટીસ આપવામાં આવી છે.

  • જામનગરમાં સંખ્યાબંધ ધાર્મિક સ્થાનો

વિસ્તારના સંખ્યાબંધ ધર્મસ્થાનોના સંચાલકો, કર્તાહર્તાઓએ મ્યુ. કમિશનરને મળીને ધાર્મિક લાગણી દુભાઈ હોવાનું જણાવી નોટીસો પાછી ખેંચવા માંગણી કરી છે. સાથે સાથે આગળની કોઈ કાર્યવાહી થશે તો આંદોલન કરવાની ચિમકી પણ આપી છે.જામનગર કોર્પોરેશન દ્વારા ગત દિવસોમાં ધર્મસ્થાનોના જે તે જવાબદારોને નોટીસો આપીને સાત દિવસમાં આધાર- પુરાવા રજુ કરવા જાણ કરવામાં આવી હતી. જે બાદ અલગ-અલગ વિસ્તારના ભીમવાસ, ઈન્દીરા સોસાયટી, ગાયત્રી ચોક, માતૃઆશિષ સોસાયટી, વિનાયકપાર્ક, માટેલ ચોક, ક્રિષ્ના પાર્ક, જલારામ પાર્ક, ગુલાબનગર તેમજ ૧૪૦૪ આવાસ યોજનામાં ધાર્મિક સ્થાન ધરાવતા લોકોએ સ્થાનિક મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને સાથે રાખીને કમિશનરને મળીને રજુઆત કરી હતી.

  • લોકોની ધાર્મિક લાગણી દુભાવી ના જોઈએ

જે તે વિસ્તારોના ધાર્મિક સ્થાનો લોકોના ફાળાથી જનરલ બીન ઉપયોગી જગ્યાઓમાં વિસ્તારના લોકો દ્વારા જ ઉભા થયા છે. તેથી મ્યુ. કમિશનરે તમામને સાંભળીને રજુઆત કર્તાઓને જણાવ્યું હતું કે, જે તે વિભાગે ખુલાસો માંગ્યો છે. તેનો લેખિતમાં જવાબ આપી દેવો જોઈએ. બાદમાં લોકોએ કમિશનરને આવેદન સુપ્રત કર્યું હતું. જેમાં લોકોને અપાયેલી નોટીસ ગેરબંધારણીય છે.લોકો પુજા-અર્ચના કરે છે, આવી નોટીસોથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે.

  • અમારી સાથે કોર્પોરેશન ચર્ચા કરે તે જરૂરી : સ્થાનિકો

હાલ ધાર્મિક બાબતની વાત કરીએ તો સંખ્યાબંધ કિસ્સાઓમાં એવું પણ બન્યું છે કે, વિસ્તારમાં લોક ફાળાથી બની ગયેલી જાહેર ધાર્મિક જગ્યામાં આમ કોઈની માલિકી ન હોય અને સંચાલકો સેવા ભાવથી સંચાલન કરતા હોય. આવા મોટાભાગના કિસ્સા હોવાથી તંત્ર આગળ શું કરવા માંગે છે ? તે મોટો પ્રશ્ન છે. તંત્રએ લોકોને જે રીતે નોટીસ આપી તે રીતે જાહેર ખુલાસો પણ કરીને તંત્રએ નિતિ સ્પષ્ટ કરવી જોઈએ. તેવી લોક લાગણી છે.