કોંગ્રેસ દ્વારા આજથી મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં સર્જાયેલી રાજકોટ અગ્નિકાંડ, વડોદરા હરણી બોટ દુર્ઘટના, સુરત તક્ષશિલા અગ્નિકાંડ, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના સહિત વિવિધ દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે તે માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે (10 ઓગસ્ટ) મોરબીથી શરૂ થયેલી ન્યાયયાત્રા રાજ્યના વિવિધ શહેરોમાંથી પસાર થઇને 23મી ઓગસ્ટે ગાંધીનગર ખાતે પૂર્ણ થશે. 300 કિલોમીટરની ન્યાય યાત્રા મોરબીથી શરુ કરીને રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને છેલ્લે અમદાવાદથી ગાંધીનગર સુધીનો પદયાત્રાનો રૂટ રહેશે.
અત્યારે ન્યાય યાત્રા મોરબીના જુદા જુદા માર્ગો પરથી પસાર થઇ રહી છે. ન્યાય યાત્રા આજે 23 કિલોમીટરનું અંતર કાપીને ટંકરા ખાતે રાત્રિ રોકાણ કરશે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ X પર યાત્રામાં જોડાવવા માટે અપીલ કરતાં કહ્યું હતું કે વિવિધ કાંડ અને કૌભાંડ પીડિતોને ન્યાય અપાવવા અને ભાજપ સરકારના ભ્રષ્ટાચાર ને અવગત કરાવવા માટે આપ સૌ ન્યાય યાત્રામાં જોડાશો. અમે રાજકીય હાથો બનવા માંગતા નથી: પીડિત પરિવારજનો
આ દરમિયાન કોંગ્રેસની ન્યાય યાત્રા માટે સુરતથી એક આધાતજનક સમાચાર આવ્યા છે. પીડિત પરિવારે અપીલ કરી છે કે દુર્ઘટનાને રાજકીય અખાડો બનાવવો જોઇએ નહી. તક્ષશિલા દુર્ઘટના પિડીત પરિવારોએ એલાન કર્યું હતું કે ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી પોતે જોડાશે તો પણ તેઓ યાત્રામાં જોડાશે નહી. પીડિત પરિવારોએ કહ્યું હતું કે લાશો પર રાજનિતી કરવી હોય તો અમે તેમના સમર્થનમાં નથી. અમે રાજકીય હાથો બનવા માંગતા નથી. કોંગ્રેસને 5 વર્ષ બાદ તક્ષશિલાના પીડિત પરિવારોની યાદ આવી, કોંગ્રેસની રાજનીતિથી પીડિત પરિવાર વ્યથિત છે. તેમણે માંગણી કરી છે કે ડે ટુ ડે કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે તે માટે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવાની પણ માંગ કરી છે.
આ યાત્રામાં લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆત રજૂ કરી શકે એ માટે કોંગ્રેસ દ્વારા ભાજપનો પાપનો ઘડો નામનો એક ઘડો પોતાની સાથે રાખવામાં આવ્યો છે. જેમાં લોકો દ્વારા નાખવામાં આવેલા પ્રશ્નોને અંતે ઘડો ભરાઈ જતાં તેને ફોડીને કોંગ્રેસે ભાજપનો પાપાનો ઘડો ભરાઈ ગયો તેવો સંકેત આપશે.
દેશભરના નેતાઓ આ ન્યાય યાત્રામાં જોડાશે, ત્યારે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીને ન્યાય યાત્રામાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન રાહુલ ગાંધી યાત્રામાં કોઈ જગ્યાએ જોડવાના એંધાણ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology