bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું વિક્રમ ઠાકોરને સમર્થન, કલાકારોના ગ્રુપ લોબિંગ અંગે મોટું નિવેદન... 

વિધાનસભામાં કલાકાર સન્માન વિવાદ મામલામાં ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ વિક્રમ ઠાકોરની વાતને યોગ્ય ગણાવી છે. જો કે તેમણે કહ્યું કે કલાકારોને બોલાવવાનું પૂર્વ આયોજીત ન હતુ, અમને પહેલા ખબર હોત તો સુધારો કરી દીધો હોત

તેમણે કહ્યું કે સરકાર તેમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવા માંગે છે, અલ્પેશ ઠાકોરે એમ પણ કહ્યું કે સરકારે વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવુ જોઈતું હતું. તેમણે કહ્યું કે સરકારે તમામ કલાકારોને બોલાવવા જોઇએ. અલ્પેશ ઠાકોરે એમ પણ કહ્યું કે સમાજ સાથે ઉભા રહેવાની જવાબદારી મારી છે.. તેમણે કહ્યું કે રાજનેતાઓની જેમ જ કલાકારોમાં પણ ગ્રુપ હોય છે.. અને કલાકારો ગ્રુપમાં લોબિંગ કરતા હોય છે.

શું છે સમગ્ર મામલો ?

ગુજરાત વિધાનસભામાં કલાકારોને સરકાર દ્વારા આમંત્રીત કરીને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના અનેક ખ્યાતનામ કલાકારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના એક પણ કલાકારને નહી બોલાવાતા સમગ્ર મામલો વિવાદમાં આવ્યો. વિક્રમ ઠાકોર દ્વારા આ મામલે અવાજ ઉઠાવાયો હતો.

વિક્રમ ઠાકોરે આક્ષેપ કર્યો કે, મને નથી બોલાવ્યો મને કોઇ વાંધો નથી પરંતુ ઠાકોર સમાજમાંથી કોઇ કલાકારને બોલાવવાની જરૂર હતી. ઘણા સમયથી હું જોઇ રહ્યો છું કે, મારા સમાજ સાથે અન્યાય થઇ રહ્યો છે. ઠાકોર સમાજની અવગણના કરવામાં આવી રહી છે. સરકાર એવું નથી કરી રહી પરંતુ વચેટિયાઓ આ કરતા હોય તેવું લાગી રહ્યો છે. જાહેર કાર્યક્રમોમાં પણ ઠાકોર સમાજના લોકોને બોલાવાતા નથી. કલાકારની કોઇ નાત જાત હોતી નથી પરંતુ ઠાકોર સમાજને જ અન્યાય થઇ રહ્યો છે. આ મામલે સરકારે સ્ટેન્ડ લેવું જોઇએ બધું વચેટિયાઓના હવાલે ન કરવું જોઇએ.

ઠાકોર સમાજ છે તો હું છું નહી તો મારુ અસ્તિત્વ કંઇ જ નથી : વિક્રમ ઠાકોર

વિક્રમ ઠાકોરે કહ્યું કે, ઠાકોર સમાજ છે તો હું છું નહી તો મારુ અસ્તિત્વ કંઇ જ નથી. હું મને જ બોલાવો તેવો કોઇ દાવો નથી કરતો પરંતુ બીજા કોઇ ઠાકોર કલાકારને બોલાવવો જોઇએ. મે રાજકારણ ક્યારેય કર્યું નથી. 2007 માં વડાપ્રધાન મોદીએ પોતે મને જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. જો કે ત્યારે પણ મે રાજકારણથી દુર રહેવાની મારી ઇચ્છા તેમની સમક્ષ વ્યક્ત કરી હતી. હાલમાં પણ હું રાજકારણથી દુર જ રહેવા માંગુ છું. મે માત્ર મારા સમાજ માટે સ્ટેન્ડ લીધું છે.