bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

સુરત લોકસભા બેઠકના ઉમેદવાર નીલેશ કુંભાણીને પક્ષમાંથી ૬ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ...

સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. લોકસભાની ચૂંટણી માટે તેમનું ફોર્મ રદ્દ થયું એ પછી કોંગ્રેસે આ કાર્યવાહી કરી છે. શિસ્ત સમિતિની બેઠકમાં નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 


સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી સામે વિરોધ વધી રહ્યો છે, જેમનું નામાંકન રદ્દ થયા બાદ AAP કાર્યકરોએ 'વોન્ટેડ' જાહેર કર્યા છે. કુંભાણી હાલ ગુમ છે અને બનાવટી અને છેતરપિંડીના આરોપોનો સામનો કરી રહ્યા છે, જો કે પોલીસે FIR નોંધવાનો ઇનકાર કર્યો છે. જણાવી દઈએ કે ફોર્મ રદ થયા પછી નીલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને તેમના ભાજપમાં જોડાવાની ચર્ચાઓ થઈ રહી છે. જયારે કુંભાણીનાં ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યાં બીજી તરફ રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ કોંગ્રેસના નિલેશ કુંભાણીના ભાજપમાં જોડવાની શક્યતાઓને સંપૂર્ણપણે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે નીલેશ કુંભાણી ભાજપમાં નહીં જોડાય, નીલેશ કુંભાણી કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં જ રહેશે.

રવિવારે કુંભાણીનું ફોર્મ ત્યારે રદ કરી દેવામાં આવ્યું હતું જયારે તેમના ત્રણ સમર્થકોએ એફિડેવિટ દાખલ કરી હતી કે તેઓએ ઉમેદવારી ફોર્મ પર સહી કરી નથી. આ પછી કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને તેમના પરિવાર કે પક્ષના સભ્યોના સંપર્કમાં પણ નથી. તેમના પરિવારના સભ્યો બુધવારે ઘરે પરત ફર્યા અને મીડિયાકર્મીઓને જણાવ્યું કે કુંભાણી તેમના સંપર્કમાં નથી. પરિવારના સભ્યોએ દાવો કર્યો હતો કે તેઓ પાર્ટીના નેતાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરવા અમદાવાદ ગયા હતા.

શહેરના કોંગ્રેસ નેતૃત્વએ દાવો કર્યો હતો કે કુંભાણી તેમના સંપર્કમાં નથી અને તેમના ઇરાદા વિશે કોઈ સંદેશ મોકલ્યો નથી. પાર્ટીએ અગાઉ કુંભાણીને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની યોજના બનાવી હતી પરંતુ તે અંડરગ્રાઉન્ડ હોવાને કારણે આ યોજના કામ કરી શકી ન હતી. અગાઉ જયારે નિલેશ કુંભાણીની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ વચ્ચે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે તેમના ઘરે તાળું જોવા મળ્યું હતું. 

આ અંગે નિલેશ કુંભાણીની પત્નીએ કહ્યું કે મારા પતિ સાથે રાજકારણ રમાયું છે. મારા પતિએ સમાજની સેવા કરી છે. દોષનો ટોપલો મારા પતિ ઉપર ઢોળી દેવાયો. મારા પતિ ચાર દિવસથી ઘરે નથી આવ્યા. હાઈકોર્ટે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. અમારી સાથે શું થયું તેનો પણ અમને ખ્યાલ નથી.