bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમદાવાદ ખાતે આવતીકાલથી  ડાંગની અમૂલ્ય જડીબુટ્ટીઓ દ્વારા ૧૦ જેટલા રોગ નિવારણમાટે અંદાજે ૧૩૩ જેટલા પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો આપશે સારવાર  

‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે અમદાવાદ હાટ- વસ્ત્રાપુર ખાતે તા. ૦૯થી 
૧૪ નવેમ્બર દરમિયાન ‘પરંપરાગત આદિવાસી વનૌષધિય પ્રદર્શન – વેચાણ’ મેળો યોજાશે
................................
 નાગરિકો સવારે ૧૦ થી રાત્રીના ૦૯ કલાક સુધી પ્રદર્શન- મેળાની મુલાકાત લઇ શકશે
 આ મેળામાં અંદાજે ૧૦૦ જેટલા સ્ટોલ શરૂ કરવામાં આવશે
................................

આદિવાસીઓના મહાનાયક, ક્રાંતિકારી લડવૈયા અને સમગ્ર આદિવાસી સમાજના મસીહા- ભગવાન તરીકે ઓળખાતા બિરસા મુંડાની તા. ૧૫મી નવેમ્બરના રોજ ૧૫૦મી જન્મજયંતી ઉજવવામાં આવનાર છે. જેને દેશભરમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

આ જન્મજયંતી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની આગેવાનીમાં અમદાવાદ ખાતે ‘પરંપરાગત આદિવાસી ઔષધિય ચિકિત્સા પદ્ધતિ’ને પ્રોત્સાહિત કરવા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ હાટ- વસ્ત્રાપુર ખાતે તા. ૦૯ થી ૧૪ નવેમ્બર દરમિયાન ‘પરંપરાગત આદિવાસી વનૌષધિય પ્રદર્શન અને વેચાણ મેળોનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલ તા. ૦૯ નવેમ્બરે સાંજે ૦૫ કલાકે આ મેળાનું ઉદઘાટન કરવામાં આવશે. આ મેળાની નાગરિકો સવારે ૧૦ થી રાત્રીના ૦૯ કલાક સુધી મુલાકાત લઇ શકશે.

આદિજાતિ વિકાસ વિભાગ અને આદિવાસી સંશોધન - તાલીમ સોસાયટી,ગાંધીનગર  દ્વારા આયોજિત આ મેળામાં વલસાડ, ડાંગ, નવસારી, અરવલ્લી, સાબરકાંઠા અને દાહોદ જિલ્લાના અંદાજે ૧૩૩ જેટલા પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો દ્વારા આધુનિક અને હઠીલા રોગોનું પરંપરાગત ઔષધિય જ્ઞાનથી ઉપચાર, મસાજ અને સ્ટીમ બાથ ઉપચાર, ડાંગના જંગલોની અમૂલ્ય જડીબુટ્ટીઓ દ્વારા રોગ નિવારણ કરવામાં આવશે. આ આદિવાસી વૈદુભગતો દ્વારા વિવિધ રોગ જેમ કે સાંધાના રોગ, ચામડી, પાચનતંત્ર, લકવા -પેરાલીસીસ, માથાનો દુઃખાવો, અનિંદ્રા, સ્થુળતા, એસીડિટી, પથરી, પ્રોસ્ટેટ જેવા રોગોનો ઉપચાર અને સારવાર પણ આ મેળામાં કરવામાં આવશે. આ ઉપરાંત જડીબુટ્ટી દ્વારા ઉપચારનો લાઈવ ડેમોસ્ટ્રેશન નાગરિકો જોઈએ શકશે.

આગામી છ દિવસ સુધી યોજાનારા આ મેળામાં અંદાજે ૧૦૦ જેટલા સ્ટોલ શરૂ કરવામાં આવશે જેમાં ગૌણ વન પેદાશો, ઓર્ગેનિક ખાદ્યચીજો, નાગલી બનાવટો, શુદ્ધ મધ, જડીબુટ્ટીઓ -ઔષધિઓનું વેચાણ કરાશે તેમ, આદિજાતિ વિકાસ વિભાગની યાદીમાં જણાવાયું છે.