bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

મનસુખ સાગઠિયાના મોટા ભાઇની બદલી; ઓફિસમાંથી મળેલા દાગીનામાં ખુલાસો....

મનસુખ સાગઠિયાના મોટા ભાઇની બદલી કરાઇ છે. મનસુખ સાગઠિયાના મોટા ભાઈ કે.ડી.સાગઠિયાની બદલી કરાઇ છે. કે.ડી.સાગઠિયા રાજ્યની મુખ્ય ટાઉન પ્લાનિંગ કચેરીમાં ફરજ પર હતા. જ્યારે સમગ્ર રાજ્યમાં થતાં ટાઉન પ્લાનિંગની મુખ્ય કચેરીમાં નંબર 2ની પોઝિશન પર હતા. હવે તેમને GIDC ઉદ્યોગ ભવન ખાતે મૂકવામાં આવ્યા છે. આવામાં આગામી દિવસોમાં તેમની કામગીરીની ચકાસણી થવાની પણ શક્યતા છે.

બીજી બાજુ, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ TPO એમ. ડી. સાગઠિયાની ઓફિસમાંથી થોડા સમય પહેલા લાખો રૂપિયાનું સોનું તેમજ ચાંદી મળી આવ્યું હતું. આ મામલે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રાજકોટની ત્રણ નામાંકિત જ્વેલર્સના સંચાલકોની પૂછપરછ કરવામાં આવી હતી.

એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ દ્વારા રાજકોટ શહેરના રાધિકા જવેલર્સ, શિલ્પા જવેલર્સ તેમજ પ્રેમજી વાલજી જવેલર્સના સંચાલકોની પૂછપરછ કરાઈ હતી. ત્યારે આ અંગે રાધિકા જવેલર્સના માલિક અશોક ઝિંજુવારિયાએ નિવેદન આપ્યું હતું કે, પૂર્વ ટાઉન પ્લાનર એમ ડી સાગઠીયા સાથે અમારે કાઈ લેવા દેવા નથી. અમારી દુકાને કદાચ સાગઠીયા કે અન્ય કોઈ આવ્યા હોય, પણ અમારી દુકાને ગ્રાહકો આવીને ખરીદી કરે છે.

તેમણે કહ્યું કે, અહીં બિલ ઉપર અમારે માલ વેંચવાનો હોય છે. અમને ACBની ટીમે એમ.ડી સાગઠીયા દ્વારા સોનાની ખરીદી કરાઈ હતી કે કેમ, તે અંગે પૂછપરછ કરાઈ હતી. જોકે અમે જે ગ્રાહક આવે તેને બિલ વગર દાગીના વેચતા નથી. સાગઠીયા કે અન્ય કોઈ વ્યક્તિ આવ્યું હોય તો તેને જરૂરી નિયમ મુજબ પાન કાર્ડ કે આધાર જે રજૂ કરે તેને દાગીના વેચતા હોય છે. અમારે ત્યાં ક્યારે દાગીના લેવા આવ્યા અને ખરીદી કરી તેની કોઈ તારીખ નથી. અમે 10 વર્ષથી હોલ માર્ક ઉપર જ દાગીના બનાવી વેચીએ છે. દાગીના ક્યારે બન્યા અને કોણે ખરીદી કરી એ ખબર નથી. 2018 સુધી 5 લાખનો નિયમ હતો. હવે 2 લાખની ખરીદી ઉપર પાન કાર્ડનો નિયમ છે. મનસુખ સાગઠીયાને તેઓ ઓળખતા હોવાનું સ્વીકાર્યું હતું. તેઓ અહીંયા ખરીદી માટે આવ્યા ત્યારે ઔપચારિક મુલાકાત થઈ હતી.