bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

દ્વારકા: રખડતા શ્વાનનો આતંક, 11 વર્ષની બાળકીને ફાડી ખાતા મોત...

 

રાજ્યમાં ફરી એકવાર હચમચાવતી ઘટના સામે આવી છે. દ્વારકાના રૂપામોરા ગામમાં રખડતા શ્વાનનોએ 11 વર્ષની બાળકી પર હુમલો કરીને તેને ફાડી ખાધી હતી. જેમા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે લઇ જવામાં આવતા પહેલા જ બાળકીનું મોત નીપજ્યુ છે. આ પરિવાર દાહોદ-ગોધરાથી ખેત મજૂરી માટે આવ્યો હતો. આ અકસ્માત બાદ પરિવારમાં આફતનો પહાડ તૂટી પડ્યો છે.

જિલ્લામાં રખડતા શ્વાનનો આંતક વધી રહ્યો છે. રખડતા શ્વાને ભાણવડના રૂપામોરા વિસ્તારમાં 11 વર્ષીય બાળકીને ફાડી ખાધી હતી. રૂપમોરા વિસ્તારમાં રહેતા હીરાભાઈ પીપરોતરની 11 વર્ષની પુત્રી પુરીબેનને શ્વાનએ અનેક બચકા ભરીને ફાડી ખાધી હતી. આ બાળકી પર ગલીમાં રખડતા શ્વાન તૂટી પડ્યા હતા. માસુમ બાળકીને શ્વાને અનેક બચકા ભરતા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. જેથી બાળકીને હોસ્પિટલ પહોંચતા પેહલા જ બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યુ છે.

થોડા સમય પહેલા નવસારીમાં શ્વાનના હુમલાથી બાળકનું મોત નિપજ્યું હતુ. આ ઘટના જલાલપોરના મહુવર ગામના ચાર વર્ષના બાળક પર એક શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો. શ્વાનનો હુમલો વધુ ઘાતકી હતો જેના બાદ તનય રાઠોડ નામના બાળકે હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થયું. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે 4 વર્ષના બાળકને મૃત જાહેર કર્યો.

ભારતમાં રખડતાં શ્વાનોના હુમલાનું પ્રમાણ વધ્યું છે. ભારતમાં દર વર્ષે બે કરોડ લોકો પ્રાણીઓના હુમલાનો શિકાર થાય છે. આમાં 92 ટકા કેસ શ્વાન કરડવાના હોય છે. એક આંકડા પ્રમાણે ભારતમાં છ કરોડથી વધારે રખડતાં શ્વાન છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ વિશ્વમાં હડકવાને કારણે થતાં મૃત્યુમાં 36 ટકા મૃત્યું ભારતમાં નોંધાય છે. એટલે કે, દરવર્ષે 18,000થી 20,000 લોકો હડકવાથી મૃત્યુ પામે છે. ભારતમાં હડકવાથી થતાં મૃત્યુમાં 30 થી 60 ટકા મૃત્યુ તો 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનાં થાય છે.