bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ગુજરાતમાં અહીં અધિકારીઓની પોલ ખુલી, કાગળ પર 'બગીચો' અને અસલમાં 'ઉકરડો'! લાખો ચાઉં કર્યા...  

 ગુજરાતમાં એક પછી એક વહીવટીતંત્રની પોલ ખોલતાં સમાચારો વચ્ચે વધુ એક એવા અહેવાલ સામે આવ્યા છે જેના વિશે સાંભળીને તમે પણ કહેશો કે આપણું તંત્ર ખરેખર પોલપટ્ટીવાળુંં થઈ ગયું છે. તાજેતરનો મામલો કુતિયાણા નગરપાલિકાનો છે. અહીં નગરપાલિકાના શાસકો સામે પુરાવાઓ સાથે ગંભીર આરોપો લાગ્યા છે. આ આરોપો બીજા કોઈ નહીં પણ ખુદ રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્યએ જ લગાવ્યા છે. આરોપ મુજબ પાલિકાના અધિકારીઓએ કાગળ પર બગીચો બતાવી જેના માટે ફાળવેલી લાખો રૂપિયાની રકમ ચાંઉ કરી ગયા છે તે જમીન પર તો હાલ ઉકરડાં જેવી સ્થિતિ છે જ્યાં ગાયો તમને કચરો ખાતી દેખાઈ જશે. 

  • ધારાસભ્યએ ખોલી પોલ! 

માહિતી અનુસાર ધારાસભ્યએ તેમની લેખિત ફરિયાદમાં નગરપાલિકાઓના કમિશનર અને પ્રાદેશિક કમિશનરને જણાવ્યું છે કે આ મામલે ન્યાયિક તપાસ કરવામાં આવે અને આગામી ચૂંટણી પહેલાં જ અધિકારીઓને ગેરલાયક ઠેરવવામાં આવે. લેખિત ફરિયાદમાં જણાવ્યુ હતુ કે કુતિયાણા પાલિકામાં લાંબા સમયથી ગેરવહિવટ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એવી અનેક ફરિયાદો મળતાં ધારાસભ્ય તરીકે હકીકતો જાણવાની ફરજના ભાગરૂપે નગર સેવા સદન પાસેથી આર.ટી.આઇ. હેઠળ વિવિધ મુદ્દાઓ હેઠળ વિવિધ માહિતીઓ મેળવી છે. તેમાં ઘણી બધી માહિતીઓ છુપાવવામાં આવી છે તેમ છતાં ઉપલબ્ધ માહિતી મુજબ પ્રમુખ, કેટલાક સભ્યો અને કર્મચારીઓ દ્વારા અલગ અલગ ગ્રાન્ટમાંથી મળેલ નાણાંનો ખોટા અને બનાવટી પુરાવાઓ ઉભા કરીને ગેરરીતિઓ કરવામાં આવી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે તેથી સ્થળ ઉપર રૂબરૂ આવીને પંચરોજકામ કરીને અને જાણકાર વ્યક્તિઓના નિવેદનો લઇને ઝીણવટભરી તપાસ કરવાનું જરૂરી હોવાનું ધારાસભ્ય કાંધલ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું છે.

તેમણે ઉમેર્યું કે બે જગ્યાએ બાગબગીચા- ખેલકૂદની જગ્યા અને બગીચો બનાવવાના કામ માટે 20.62 લાખ રૂપિયાનો ખર્ચ થયાનું દર્શાવાયું છે તે વાત ઉપજાવી કાઢેલી છે. આ કહેવાતા બગીચામાં ગામનો કચરો ફેંકવામાં આવે છે, જેમાં ગાયો કચરો ખાય છે. આ અંગેના ફોટોગ્રાફ્સ પણ રજૂ કરાયા છે. આવી ખોટી અને અધુરી માહિતી ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલ છે તેથી તપાસ કરીને તમામ વિરૂધ્ધ શિક્ષાત્મક પગલા તાત્કાલિક લેવા જરૂરી છે. ઉપરાંત, સામેલ કોન્ટ્રાકટર્સને પણ બ્લેક લિસ્ટ કરવામાં આવે, અને ના થયેલા કામના ખોટા બિલો બનાવી સરકારી રકમ ચાંઉ કરી ગયેલ હોય તો તેઓ સામે પણ પગલા ભરવા જોઇએ. કહેવાતો બગીચો બનાવવામાં આવેલ જ નથી અને તેના નામે પુરેપુરી રકમનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની શકયતા છે. આવા કહેવાતા બગીચાઓની જાળવણી માટે અને રમતગમતના સાધનો પાછળ પણ લાખો રૂપિયાના ખર્ચાઓ બતાવી સતત ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાની આશંકા છે તેથી પાલિકાના પ્રમુખ તથા સભ્યો આગામી ચૂંટણી માટે ગેરલાયક ઠરાવવા જોઇએ, તમામ પાસેથી આવી રકમ સંયુકત રીતે અને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવી વસુલ કરવી જોઇએ અને પાલિકાનું તમામ રેકોર્ડ કબ્જે કરવુ અત્યંત જરૂરી છે, જેથી તેમા કોઇ ચેડા કરી શકે નહીં.

  • ધારાસભ્યના મતે ક્યાં શું ખોટું થયું છે...

ધારાસભ્યએ આર.ટી.આઇ. મારફત મળેલી માહિતી પત્રકારો સમક્ષ રજૂ કરીને જણાવ્યુ હતુ કે પસવારી રોડ પાસે આવેલ બગીચો બનાવવાના કામ માટે 10.08 લાખનો ખર્ચ થયેલ છે, જે રકમમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યાની શંકા હોવાથી સ્થળ ઉપર રૂબરૂ તપાસ થવી જોઈએ. આ બગીચામાં બાળકો માટે ચકરડી નાખવાના કામ પાછળ 47000નો ખર્ચ દર્શાવાયો છે પરંતુ ચકરડી માટે કહેવાતો ખર્ચ થયો નથી. અહીં પેવરબ્લોક તથા કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામ માટે 8.30 લાખનો ખર્ચ થયો છે, જે રકમમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાતું હોવાથી તપાસ થવી જરૂરી છે. દેવાંગી હોટલ સામે બગીચો બનાવવાના કામ માટે 20.62 લાખનો ખર્ચ થયેલ છે પરંતુ ત્યાં બગીચો બનાવવામાં આવ્યો જ નથી!