સુરતમાં રવિવારથી પડી રહેલા વરસાદ બાદ બુધવારે સવારે સુરતની ખાડીઓ ઓવરફ્લો થતા અનેક વિસ્તારોમાં ખાડીના પાણી ઘુસી ગયા છે. તેમાં પણ સીમાડા વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ખાડીના પાણીનો ભરાવો થતાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે અને ચાર દિવસથી પાણી હોવાથી તેઓ લાઈટ વગર રહી રહ્યાં છે અને અનાજ અને અન્ય સામગ્રી પણ પાણીમાં ભીંજાઈ ગઈ છે. હવે બાકીનો સામાન બચાવવા માટે લોકોએ દેશી જુગાડ કર્યો છે અને દોરડા વડે બેડ બાંધીને અભરાઈ પર લટકાવી દીધો છે.
સુરતમાં વરસાદી આફત હવે લોકોના ઘર સુધી પહોંચી ગઈ છે અને લોકોના ઘરોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમાં પણ શહેરના સીમાડા વિસ્તારમાં રહેતા લોકો માટે છેલ્લા ચાર દિવસથી આ આફત દિવસેને દિવસે વધી રહી છે. સારોલીના શુભમ પાર્ક સહિતની કેટલીક સોસાયટીઓમાં છેલ્લા ચાર દિવસથી પાણીનો ભરાવો થયો છે. પોતાના ઘર હોવા છતાં લોકો ઘરમાં પાણી હોવાના કારણે અન્ય જગ્યાએ રહેવા માટે લાચાર બની ગયાં છે.
આ સોસાયટીમાં અચાનક પાણીનો ભરાવો થતાં લોકોએ વર્ષ માટે ભરેલું અનાજ અને અન્ય સામગ્રી ઘરમાં ભરાયેલા પાણીમાં ભીંજાઈ ગઈ હતી. કેટલાક લોકોએ પોતાના સામાન પહેલા માળે ચઢાવી દીધો હતો જ્યારે બેડ બચાવવા માટે કેટલાક લોકોએ દેશી જુગાડ અજમાવ્યો હતો. દોરડાથી બેડ બાંધીને ઘરમાં બનાવેલી અભરાઈ પર લટકાવી દીધો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology