રાજયભરમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી અવાર-નવાર ઝડપાતા કરોડો રૂપિયાના ડ્રગ્સ વચ્ચે સુરતમાં ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવતો ભાજપનો કાર્યકર વિકાસ આહિર ઝડપાયા બાદ આજે રાજકોટમાં ભાજપના આગેવાનના પુત્ર સહિત બે આરોપીઓ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે ઝડપાતા ચર્ચા જાગી છે.
રાજકોટ એસઓજીના જમાદાર ઘનશ્યામસિંહ ચૌહાણ વગેરેને મળેલી ચોકકસ બાતમીના આધારે પીઆઈ જે.એમ. કૈલાએ 150 ફૂટ રીંગ રોડ પર ભક્તિધામ સોસાયટીમાં આવેલા ભક્તિધામ એપાર્ટમેન્ટનાં ફલેટ નં. 19માં દરોડો પાડી ટેબલ નીચે સંતાડાયેલ 98.54 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ફલેટ ધારક પાર્થ દેવકુભાઈ મકવાણા (ઉ.વ. 21) અને તેના મિત્ર સાહિલ ઉર્ફે નવાબ અયુબભાઈ સોઢા (ઉ.વ.24) રહે. ખોડીયારનગર શેરી નં. 15, એસટી વર્કશોપ પાસે, ગોંડલ રોડ)થી ઝડપી લીધા હતા.
જસદણમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પાર્થના પિતા દેવકુભાઈ નિવૃત શિક્ષક છે અને હાલ જસદણ તાલુકા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી છે. એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્થે બીસીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તેણે મિત્ર સાહિલ સાથે મળી છેલ્લા પાંચેક મહિનાથી ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ કર્યો હતો.
બંને આરોપીઓ જીમમાં જવાના શોખીન અને બોડી બિલ્ડર છે. આરોપીઓના મોટાભાગના ગ્રાહકો પણ જીમમાં જતાં યુવાનો કે જેમાં છાત્રો અને કોલેજીયનો પણ હોઈ શકે છે તે છે. પુછપરછમાં બંને આરોપીઓ મુંબઈથી ખાનગી બસમાં ડ્રગ્સ લાવતા હોવાનું કહી રહ્યા છે. ગઈકાલે જ બંને આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ લાવ્યાના ગણતરીના કલાકો બાદ એસઓજીની ઝપટે ચડી ગયા હતા.
આરોપીઓ પાસેથી રૂ.9.85 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ, બે મોબાઈલ ફોન, બે વજન કાંટા, ડ્રગ્સ જેમાં ભરીને વેચતા હતા તે પ્લાસ્ટીકની નાની-મોટી 107 જેટલી વેકયુમ પેક કોથળી, ચમચી અને બોક્ષ વગેરે મળી કુલ રૂ. 10.05 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
આરોપીઓ મોટાભાગે એક ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ રૂ.2200 થી લઈ રૂ.2500માં વેચતા હોવાની માહિતી મળી છે. એકંદરે આરોપીઓને એક ગ્રામ ડ્રગ્સ ઉપર રૂ.700 થી 800નો નફો મળતો હતો. આરોપીઓને ગ્રાહકોના નામો મેળવવા અને મુંબઈમાં ડ્રગ્સ સપ્લાય કરનારાઓના નામો મેળવવા પોલીસે હવે તજવીજ શરૂ કરી છે. આરોપી પાર્થ મૂળ જસદણના પાંચવડા ગામનો વતની છે. તેના પિતા પણ ત્યાં જ રહે છે. બીજો આરોપી સાહિલ ધો.9 ફેલ છે તેમ પણ એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology