bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

વરસાદ-પૂરનો કહેર, મુંબઈના રસ્તાઓ બેટમાં ફેરવાયા...  

દેશના ઘણા રાજ્યોમાં ચોમાસું બરાબરનું જામ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મુંબઈમાં સતત વરસાદ પડવાના કારણે ઘણા રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. જ્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાનો કહેર વચ્ચે આઠ લોકોના મોત નિપજ્યા છે. તો રાજસ્થાનમાં પણ ઘણા શહેરો જળમગ્ન થયા જનજીવન ખોરવાઈ ગયું છે. ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે ઠેર-ઠેર પાણી ભરાયાના અહેવાલો મળ્યા છે, તો કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરતા અનેક કોલેજો અને શાળાઓ બંધ રાખવાની નોબત આવી છે. હાલ મળતા અહેવાલો મુજબ મુંબઈમાં હજુ પણ સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

  • મુંબઈમાં આખી રાત વરસાદ પડતા વાહનવ્યવહાર ખોરવાયો

મુંબઈ (Mumbai)ની વાત કરીએ તો અહીં આખી રાત વરસાદ પડવાના કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. અંધેરીના સબવેમાં પાણી ભરાવાના કારણે વાહનો જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. બીજીતરફ હવામાન વિભાગે મુંબઈના જુદાં જુદાં વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરી છે. શહેરમાં હાલ 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. શહેરમાં ભારે વરસાદ પડ્યા બાદની સ્થિતિના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં ચારોકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત રસ્તાઓ પર પણ ટ્રાફિક થયો છે.

  • મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે મહારાષ્ટ્ર (Maharashtra)માં ભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈમાં હાલ ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વિલે પાર્લે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના વીડિયો સામે આવ્યા છે, જેમાં મૂશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે.