bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

આધુનિક ઓપ આપવા સચિવાલયમાં ફરી રિનોવેશન : આગળના 100 કરોડનો ખર્ચ માથે પડશે...

રાજ્ય સરકારે હવે સમગ્ર સચિવાલય સંકુલનું રિનોવેશન કરવાનો નિર્ણય કર્યો છે. પહેલાં મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓની ચેમ્બરો અલગ કરીને 250 કરોડના ખર્ચે સ્વર્ણિમ સંકુલની બે ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું, ત્યારપછી વિધાનસભાને 150 કરોડનો ખર્ચ કરીને નવો લૂક આપવામાં આવ્યો અને હવે સચિવાલયના 14 બ્લોકનું મરામતકાર્ય શરૂ થવા જઇ રહ્યું છે.

આ કામગીરી માટે કેટલો ખર્ચ થશે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ 1985માં સચિવલયની ઇમારતનું ઉદ્દઘાટન કર્યું હતું તેને આજે 39 વર્ષ થવા આવ્યા છે. આટલા વર્ષોમાં 28 પૈકી 15 વિભાગોએ તેમની કચેરીઓને આધુનિક ઓપ આપવા અલગ અલગ રીતે 100 કરોડનો ખર્ચ કર્યો છે. હવે જો આખા સચિવાલયનું રિનોવેશન કરાશે તો કરવામાં આવેલો ખર્ચ વ્યર્થ જશે.

  • સચિવાલય પાસે ‘મીનાબજાર’માં પાણી નથી મળતું પણ દારૂ મળે છે

ગાંધીનગરમાં જૂના સચિવાલય પાસે આવેલું માઇક્રો શોપિંગ કે જેને ‘મીનાબજાર’ના નામથી ઓળખવામાં આવે છે. આ બજારમાં કર્મચારીઓ ચા-પાણી કરવા અને રાજકારણની ચર્ચા કરવા રિશેષનો સમય ગાળતા હોય છે. 152 કાયદેસરની દુકાનો અને બીજા 50થી વધુ ગેરકાયદે દબાણોથી ધમધમતા આ બજારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. આ જગ્યાએ છૂટથી દારૂ મળે છે પરંતુ વીજળી, સેનિટેશન, પાર્કિંગ કે પીવાના પાણીની કોઇ વ્યવસ્થા નથી. વેપારીઓનું કહેવું છે કે સચિવાલયના કેટલાક સલામતી રક્ષકો અને પોલીસ કર્મચારીઓ અહીંયા દારૂ પીવા માટે આવતા હોય છે તેથી તેમના ચારહાથ છે. આ બજારથી માત્ર 300 મીટર દૂર ગૃહ વિભાગ અને ગૃહમંત્રીનું કાર્યાલય છે.