એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટી દ્વારા સંચાલિત એમઆરઆઈડી(મહારાજા રણજિતસિંહ ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈન)ના 3.50 કરોડના ખર્ચે બનેલા અદ્યતન બિલ્ડિંગમાં પાયાની સુવિધાઓના અભાવના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
આજે અહીંયા અભ્યાસ કરતા 200 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને ફેકલ્ટી ડીન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, અહીંયા અભ્યાસ માટે એક વર્ષની 1.40 લાખ રૂપિયા ફી છે. આમ છતાં માત્ર બે કાયમી અધ્યાપકો છે. બાકીના વિઝિટિંગ ફેકલ્ટી ભણાવીને જતા રહે છે. કેન્ટીન ગમે ત્યારે ચાલું હોય છે અને ગમે ત્યારે બંધ થઈ જાય છે. વોશરૂમમાં પારાવાર ગંદકી છે અને તાજેતરમાં તો વોટરકૂલરમાં જીવડા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓને લેબોરેટરીમાં પણ બેસવા દેવાતા નથી.
વિદ્યાર્થીઓએ ચોંકાવનારા આક્ષેપો કરતા કહ્યું હતું કે, આખા વર્ષની ફીમાં 40000 રૂપિયા સ્ટડી ટુરની હોય છે પણ છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને સ્ટડી ટુર માટે લઈ જવાયા નથી. ઉપરાંત વિદ્યાર્થીઓને જન્માષ્ટમી અને ગણપતિ જેવા ધાર્મિક તહેવારો ઉજવવવાની પણ છૂટ અપાતી નથી.
વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, અમારી સમસ્યાઓને લઈને 10 દિવસ પહેલા અમે ચાન્સેલર, વાઈસ ચાન્સેલર, રજિસ્ટ્રાર અને ડીનને રજૂઆત કર્યા પછી પણ અમારી સમસ્યાઓનો ઉકેલ નહીં આવ્યો હોવાથી અમારે આજે દેખાવો કરવા પડ્યા છે. સત્તાધીશો દ્વારા અમને આડકતરી રીતે ધમકીઓ અપાઈ રહી છે પણ અમે આંદોલન ચાલુ રાખીશું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology