છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદની હેલીથી પાટનગર પાણીથી તરબતર થયું છે. ત્યારે શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં જુલાઇ માસના અંતે જ પાણી આવ્યું છે. અષાઢ માસમાંજ મેઘમહેર થતાં સુકીભઠ્ઠ સાબરમતીમાં વહેણ જોવા મળ્યા છે. ત્યારે ઉપરવાસમાં અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ પડવાને પગલે નદીમાં પાણીની આવક થઇ છે.એટલુ જ નહીં, સતત વરસાદના પગલે નદીમાં અઢીથી ત્રણ ફુટ પાણી આવી ગયું છે. સંત સરોવરમાં પણ પાણી પહોંચી ગયું છે. ત્યારે આવનારા દિવસોમાં ધરોઇમાંથી પાણી છોડવામાં આવશે તો નદીમાં પાણીની સપાટી વધુ ઉંચી આવશે.
આગાહી અને અનુમાન પ્રમાણે આ વખતે મેઘરાજાએ તોફાની બેટીંગ કરી રહ્યા છે. ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજા સમગ્ર ગુજરાતમાં મન મુકીને વરસતા નદીઓ ફરી સજીવન થઇ ગઇ છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વર્ષાની હેલી ચાલી રહી છે. ઉપરાંત માણસા સહિત ઉપરવાસમાં પણ મેઘમહેર થઇ છે જેના કારણે સાબરમતી નદીમાં નવા નીર તો આવ્યા જ છે સાથે સાથે સે-30 પાસેથી પસાર થતી નદી બે કાંઠે વહેતી પણ જોવા મળી રહી છે.
સમગ્ર ગુજરાતની સાથે સાબરમતી નદીની ઉપરવાસમાં સાબરકાંઠા, બનાસકાંઠા વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડવાથી ગાંધીનગરમાઁથી પસાર થતી સાબરમતી નદીમાં જુલાઇ માસના અંતે બે કાંઠે પાણી વહેતું જોવા મળી રહ્યું છે. ગાંધીનગરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલતી વર્ષાની હેલીએ શહેરને તરબતર કરવાની સાથે સુકી સાબરમતીને પણ પાણીથી ભીંજવી દીધી છે. વરસાદને કારણે સાબરમતીમાં પાણી આવતા લોકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. પાણીના વધામણા કરવા નદી કિનારે લોકોના ટોળા ઉમટેલા જોવા મળ્યા હતા. પાણી જોવા માટે પુલ ઉપર પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જો કે, હજી સુધી ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું નથી તેવા એહેવાલો સ્થાનિક તંત્ર પાસેથી મળી રહ્યા છે.
આગાહી અને અગાઉના વર્ષોના અનુભવને ધ્યાને રાખીને વહિવટી તંત્ર દ્વારા સાબરમતી નદી કિનારાના ગામોને એલર્ટ કરી દીધા છે અહીં તલાટી અને સરપંચને જરૂરી બોર્ડ લગાવીને નદીમાં નહીં જવા માટેની સુચના આપવા પણ જણાવવામાં આવ્યું છે તેમ છતા નદીમાં લોકો જીવના જોખમે જઇ રહ્યા છે અને કોઇ તંત્ર પગલા પણ ભરતું નથી. જે આગામી દિવસોમાં મોટી દુર્ઘટના નોંતરશે.
હજી ધરોઇ ડેમ ભરાવવાની ખુબ જ વાર છે ત્યારે સાબરમતી નદીમાં આવેલુ પાણી લાકરોડાના બેરેજમાં પણ સંગ્રહ કરવામાં આવી રહ્યું છે. તો બીજીબાજુ સંતસરોવરમાં પણ વરસાદી પાણીની આવક વધી છે અને લાકરોડાથી પાણી સંતસરોવર પણ પહોંચી ગયું છે. ત્યારે અહીંના તમામ દરવાજા બંધ કરીને પાણીનો સંગ્રહ કરવામાં આવશે. હાલની સ્થિતિએ 1500 ક્યુસેક જેટલું સામાન્ય જ પાણી આવ્યું હોવાનું જણાવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિમાં હવે ભારે વરસાદ પડવાની સાથે પાણીની આવક વધશે તો સંત સરોવરમાં પાણીની સપાટી ઉંચી આવશે.જેનાથી સંત સરોવરથી લઇને સે-30ની બ્રીજ તરફ કૃત્રિમ સરોવર સર્જાશે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology