bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ધોરાજી અને ઉપલેટા પંથકમાં આભ ફાટયું : 15 ઇંચ વરસાદ, તમામ નદીઓ ગાંડીતૂર બની....  

ધોરાજી અને ઉપલેટા તાલુકામાં ગઇકાલે બપોર બાદ અનરાધાર વરસાદ ચાલુ થયો હતો, જે આજે પણ યથાવતા રહ્યો હતો. 24 કલાકમાં આભ ફાટયું હોય એમ 15 ઇંચ સુધીના વરસાદ વરસી જતાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઇ હતી. તમામ નદીઓ ગાંડીતૂર બની હતી. જળાશયો છલોછલ બન્યા હતા. ખેતરોનું ધોવાણ થઇ ગયું હતું.

ધોરાજી શહેરમાં ગઈકાલે રાત્રિના ભારે વરસાદ વરસી જતા 6 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. જ્યારે ધોરાજી તાલુકાના વાડોદર, નાનીમારડ, ચિચોડ, કલાણા, વાડોદર અને મોટીમારડ, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જાણે આભ ફાટયું હોય તેવી પરિસ્થિતિ સર્જાય હતી. ગઈકાલ સાંજથી લઈને સાંજ સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં 10 થી 13 ઇંચની વચ્ચે વરસાદ નોંધાતા સમગ્ર ગ્રામ્ય વિસ્તાર બેટમાં ફેરવાઇને પાણી પાણી થઈ ઉઠયો હતો. 

ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતાં નદીનાાળાઓ બે કાંઠે વહેતા જોવા મળ્યા હતા. ખેડૂતો માટે મુશ્કેલી જનક બાબત એ બની હતી કે આ તમામ પંથકના ખેતરોનું ધોવાણ થઈ ચૂક્યું છે. નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને સલામતી સ્થળે જવા માટે ફરજ પડી હતી. વાડોદર અને મોટીમારડમાં નીચાણ વાળા રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી.

ઉપલેટામાં છેલ્લા બે દિવસ થયા સતત સતત વરસાદ વરસતો રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે મેરોદર, ગણોદ, સમઢીયાળા, હડમતીયા, નાગલખાડામાં 12 થી 15 ઇંચ વરસાદ પડયાના સમાચાર મળે છે. આ ઉપરાંત નાગવદર, ખાખી, જાડિયાવાડલા, ઈસરા, કોલકી, ખારચીયામાં પણ 5 થી 7 ઇંચ વરસાદ પડયાના સમાચાર મળે છે.  

ઉપલેટાને પાણી પુરૂ પાડતા બે ડેમો પૈકી વેણુ ૨ ડેમ આખો ભરાઈ જતા પાટિયા ખોલવામાં આવેલા હતા. આ ઉપરાંત મોજ  ડેમની સપાટી 44 ફૂટ છે, જેમાં 41.50 ફૂટ પાણી આવી જતા ગમે ત્યારે પાટીયા ખોલવા પડે એવી સ્થિતિમાં આવી ગયો છે. જેથી નીચાણનાં ગામડાઓને સાવચેત રહેવા અને ખાસ કરીને વાડલા, સેવંત્રા, ગઢાડા લેવા ગામોને સાવચેત રહેવા જાણ કરવામાં આવી છે.