રાજકોટના ચીફ ફાયર ઓફિસર અનિલ મારુએ એક ફાયર એન.ઓ.સી.આપવા લાંચ પેટે રૂ।.૧.૨૦ લાખ લઈને બાદમાં મહાપાલિકામાં પોતાની ઓફિસમાં જ રૂ।.૧.૮૦ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાઈ ગયેલ તેમાં આજે ફાયરબ્રિગેડ સ્ટાફનો સંપર્ક સાધતા જેના માટે લાંચ લેવાઈ તે ફાયર એન.ઓ.સી. આપવાની લગભગ તમામ કામગીરી તો સ્ટેશન ઓફિસરે જ કરી હતી, જ્યારે મારુએ માત્ર ઓફિસ બેઠા લાંચ લેવાનું કામ કર્યું હતું.
વિગત એવી છે કે મનપામાં ફાયર બ્રિગેડમાં હોદ્દાની વિસંગતતાઓ વચ્ચે ફાયર સ્ટેશન ઓફિસરોને તેમના વિસ્તારમાં ફાયર એન.ઓ.સી.ની અરજી ડોક્યુમેન્ટ વગેરે વેરીફાઈ કરીને ઈન્વર્ડ કરવાની સત્તા અપાઈ છે. સ્ટેશન ઓફિસરોને પગાર ક્લાસ-૨ અધિકારીનો અપાય છે પરંતુ, તેમનો હોદ્દો ક્લાસ-૩ના કર્મચારીનો રખાયો છે.
આ કારણે સ્ટેશન ઓફિસર એન.ઓ.સી. આપવા માટેની તમામ કાર્યવાહી કરી દે પછી એન.ઓ.સી. માટે જે રકમ ભરવાની હોય તેમાં સહી કરવાની સત્તા માત્ર ચીફ ફાયર ઓફિસરને જ અપાયેલી છે. આ જોગવાઈને કારણે અનિલ મારુની દોઢ માસ પહેલા રાજકોટમાં નિમણુક થતા સાથે અને રાજકોટમાં અગ્નિકાંડ પછી ફાયર એન.ઓ.સી. અને ફાયર સાધનોની માંગમાં જબરદસ્ત વધારો થયો છે અને મિલ્કતને સીલ થતી રોકવા કે સીલ ખોલાવવા અરજદારો તલપાપડ છે તે સ્થિતિનો લાભ લઈને ભ્રષ્ટાચાર શરુ કર્યાનું જાણવા મળે છે.
પૂર્વ ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયા પાસે ડિમોલીશન કરવું કે અટકાવવું, નોટિસ આપવી કે નહીં, પ્લાન મંજુર કરવો કે નહીં તેની સત્તા કેન્દ્રીત થયેલી હતી અને તેના પગલે તેણે બેસુમાર ભ્રષ્ટાચાર આચર્યો તેમાં રૂ।.૨૭ કરોડ તો એ.સી.બી.એ કબજે કર્યા હતા. આ પ્રકરણ બાદ મ્યુનિ.કમિશનરે ટી.પી.શાખામાં ટી.પી.ઓ.ને બદલે આ સત્તા એ.ટી.પી., સિટી એન્જિનિયર અને નાયબ કમિશનર વચ્ચે વિકેન્દ્રીત કરી દીધી છે. પરંતુ, કમિશનર ડી.પી.દેસાઈ આવો સુધારો ફાયર બ્રિગેડના ત્રણ અધિકારીઓની અગાઉ ધરપકડ છતાં કરી શક્યા નહીં તેમાં કાનુની બાધ નડયાનું બહાર આવ્યું છે.
મારુએ અન્ય ફાઈલો મંજુર કરવામાં પણ રૂ।.ત્રણ-ત્રણ લાખની લાંચ લીધી હોવાની શંકાના આધારે તેની સંપત્તિની તપાસ પણ થઈ રહી છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology