મહેસાણામાંથી (Mehsana) એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. જિલ્લાનાં કડીનાં એક ગામની શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળામાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. વિદ્યાર્થિનીનાં મૃતદેહને કડી કલ્યાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડીને કડી પોલીસે (Kadi Police) આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
મહેસાણા (Mehsana) જિલ્લાના કડી તાલુકાના કલ્યાણપુરા રોડ પર બાવલું પોલીસ મથક હદ વિસ્તારમાં (Bavlu police station area) આપઘાતનો એક બનાવ બન્યો છે. વિસ્તારમાં આવેલ એક શાળામાં ધો. 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળામાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, વિદ્યાર્થિની રોજની જેમ બપોરે શાળાએ પહોંચી હતી. જો કે, સાંજે શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થિની ઘરે પહોંચી નહોતી. મોડે સુધી વિદ્યાર્થિની ઘરે ના પહોંચતા પરિવાર ચિંતામાં મૂકાયો હતો.
વિદ્યાર્થિનીનાં પરિવારે શાળામાં તપાસ કરતાં વિદ્યાર્થિની એ આત્મહત્યા કરી હોવાની સ્થિતિમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે કડી પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી, પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થિનીના મૃતદેહને કડી કલ્યાણપુરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (Kadi Kalyapur Primary Health Center) ખાતે પીએમ અર્થે મોકલવા કામગીરી હાથ ધરી હતી. વિદ્યાર્થિનીએ આત્મહત્યા કેમ કરી તે પાછળનું કારણ હાલ અકબંધ છે અને પોલીસે તે અંગે તપાસ હાથ ધરી છે. જો કે, વિદ્યાર્થિનીનાં આપઘાતથી પરિવાર સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે. જ્યારે, બીજી તરફ વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે ? તેને લઈને પણ લોકોમાં સવાલ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology