હરિયાણાના પ્રદેશ પ્રમુખની નિયુક્તિ બાદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ બને છે? તે ચર્ચાએ વેગ પડક્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી કોને સોંપાશે, કોણ-કોણ પ્રદેશ પ્રમુખની રેસમાં છે? પ્રદેશ ભાજપમાં કોના-કોના નામોનો ગણગણાટ થઇ રહ્યો છે, ક્યાં-ક્યાં નામો હાલ કમલમ આવતા જતાં કાર્યકરોના મુખે ચર્ચાઈ રહ્યા છે? મોવડી મંડળ કોના નામ પર મહોર લગાવે છે? જોઈએ આ રિપોર્ટમાં..
ગઈકાલે ભાજપે હરિયાણા પ્રદેશ પ્રમુખની નિયુક્ત કરી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ હરિયાણા વિધાનસભાના ધારાસભ્ય મોહનલાલ બડોનીને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. ત્યારે હવે ગુજરાતના પ્રદેશ પ્રમુખ કોણ? તે ચર્ચાએ વેગ પકડ્યું છે. હાલ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની જવાબદારી સી. આર. પાટીલ પાસે છે. પ્રદેશ કારોબારી પમુખ પાટીલની નિયુક્તિ બાદ તેમણે સંગઠનમાં મહત્વની પેજ પ્રમુખ ફોર્મ્યુલા આપીને ગુજરાતને વિધાનસભાની ચૂંટણી 156 અને પેટાચૂંટણી પાંચ બેઠકો સાથે 161 બેઠકો અપાવી હતી. હાલ પાટીલ પ્રધાનમંત્રી મોદીની ત્રીજી ટર્મમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. કેબિનેટ મંત્રી બનતા સાથે હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ? તે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.
કેમ કે, ભાજપની એક પદ એક હોદ્દાની ફોર્મ્યુલા રહી છે. જેમાં હાલ પાટીલ પાસે મહત્વના ગણતા બે હોદ્દા એટલે એક પ્રદેશ પ્રમુખ અને બીજો કેબિનેટ મંત્રીનો હોદ્દો છે. એટલે તાજેતરમાં યોજાયેલી કારોબારી બેઠકમાં અધ્યક્ષ પ્રવચન કરતા પાટીલ એક પદ એક હોદ્દાની વાત કરતા મોવડી મંડળને રજૂઆત કરીને પ્રદેશ પ્રમુખ સુકાન અન્ય મજબૂત દાવેદાર નેતાને સોંપવા માટે રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારે હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ બની શકે છે? તે મુદ્દે હવે અનેક નામો ચર્ચાઈ રહ્યા છે. ભાજપમાં OBC, SC-ST પછી જનરલ કેટેગરીમાંથી પ્રદેશ પ્રમુખ હશે, તે અંગેની ચર્ચા વેગવાન બની છે. ત્યારે આવનાર સમયમાં બક્ષીપંચ સમુદાયના પ્રદેશ પ્રમુખને તક મળે તો નવાઈ નહીં. બક્ષીપંચ સમુદાયમાં આવતા પૂર્ણેશ મોદી, દેવુસિંહ ચૌહાણ, જગદીશ વિશ્વકર્મા અને ઉદય કાનગડ, પૂર્વ કિશાન મોરચાના પ્રમુખ બાબુ જેબલિયા અને રાજ્યસભાના સાંસદ મયંક નાયક પણ ચર્ચામાં છે.
આ તો થઈ બક્ષીપંચ સમુદાયમાં આવતા નામોની, જો જનરલ કેટેગરીના પ્રદેશ પ્રમુખ નિયુક્ત થાય તો સરકાર અને સંગઠનના અનુભવી નામ ચર્ચાઈ રહ્યા છે. જેમાં વર્તમાન મહામંત્રી રજની પટેલનું નામ ચર્ચામાં છે. રજની પટેલ ગૃહ રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે એટલે સરકાર અને સંગઠનની કામગીરીથી વાકેફ છે. એવી જ રીતે ગોરધન ઝડફિયા પણ અગાઉ કેશુભાઈ પટેલની સરકારના ગૃહમંત્રી રહી ચૂક્યા છે. હાલ તેઓ સંગઠનમાં ઉપપ્રમુખ અને મધ્ય ગુજરાતના પ્રભારીની જવાબદારી પણ તેમની પાસે છે. જોકે, ક્ષત્રિય આંદોલન બાદ ક્ષત્રિય સમાજના ચહેરાને તક મળે તો નવાઈ નહીં. જેમાં પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અગાઉ સરકારમાં પ્રવક્તા મંત્રી અને કેબિનેટ મંત્રી તેમજ અગાઉ ઉપપ્રમુખ રહેલા આઇ. કે. જાડેજાનું નામ પણ ચર્ચામાં છે. ત્યારે હવે ભાજપ કોના નામ પર મહોર મારે છે. કોને પ્રદેશ પ્રમુખનો તાજ પહેરાવે છે? તે તો જોવું જ રહ્યું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology