ગુજરાતના મુખ્ય શહેર એવા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસથી અસામાજીક તત્વોનો ત્રાસ સામાન્ય નાગરિકો ઉપર વર્તાતો હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. આવી ઘટનાઓથી, ગુજરાતના સભ્ય સમાજમાં ભય પ્રેરાય છે. રાજ્યમાં ભાજપની ભૂપેન્દ્ર પટેલની દાદા સરકારને બદલે, અસામાજીક તત્વોની સરકાર ચાલતી હોય તેવુ લાગી રહ્યુ હોવાથી ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ, સરકાર અને ગૃહપ્રધાન તરીકે તેમની નિષ્ફળતા સ્વીકારીને રાજીનામુ આપવું જોઈએ તેમ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું છે.
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ, કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર પર માછલા ધોયા હતા. તેમણે કહ્યું કે, સરકારનો ખોફ ગુનેગારોમાં રહ્યો નથી, એટલું જ નહીં સરકારે પોલીસનો ડર પણ ગુનેગારોમાં રહેવા દીધો નથી.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની ભૂપેન્દ્ર પટેલની નહીં, પરંતુ અસામાજીક તત્વોની સરકાર ચાલતી હોય તે રીતે અસામાજીક તત્વો લોકો પર હથિયારો સાથે ઘાતક હુમલા કરી રહ્યાં છે. ચારે તરફ અસામાજીક તત્વોનું રાજ હોય તેવુ લાગી રહ્યું છે. દિવસે દિવસે, ગુજરાત હવે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવુ થઈ રહ્યું છે.
ગુનેગારોમાં સરકારનો સહેજે પણ ડર રહ્યો નથી. સરકાર, પોલીસ, ગૃહપ્રધાન તરીકેની નિષ્ફળતા સ્વીકારીને રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તેમના હોદ્દા પરથી રાજીનામુ આપી દેવુ જોઈએ તેમ અમિત ચાવડાએ જણાવ્યું છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology