અમદાવાદ શહેરમાં લક્ઝરી બસોને ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, શહેર સહિત રાજયમાં પરમીટ વિના ચાલતા વાહનો, સ્કૂલવાનમાં સીએનજી કીટ પર બાળકોને બેસાડવા સહિતના અનેક મુદ્દે ગુજરાત હાઇકોર્ટે આજે ટ્રાફિક પોલીસ, પોલીસ ઓથોરીટી, આરટીઓ સત્તાવાળાઓને બહુ જોરદાર રીતે આડા હાથે લીધા હતા.
જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે એક તબક્કે એટલી હદે માર્મિક ટકોર કરી હતી કે, થોડા આર્થિક લાભ માટે ટ્રાફિક પોલીસ અને આરટીઓ સત્તાવાળાઓની મિલીભગતના કારણે નિર્દોષ નાગરિકો ટ્રાકિકની સમસ્યાઓમાં હેરાન થઈ રહ્યા છે. હાઈકોર્ટે ટ્રાફિકની ખાડે ગયેલી સમસ્યાઓને સુધારવા અને જે તે વિસ્તારના અધિકારીઓની જવાબદારી નક્કી કરવા સહિતના નિર્દેશો સાથે રાજયના ગૃહ વિભાગ, ટ્રાફિક પોલીસ, આરટીઓના જવાબદાર અધિકારીને તા.14મી ઓગસ્ટે રૂબરૂ હાજર રહેવા ફરમાન કર્યું છે. હાઈકોર્ટે સમગ્ર સિસ્ટમને લઈ કેસની સુનાવણી દરમ્યાન બહુ આકરા પ્રહારો કર્યા હતા.
હાઇકોર્ટે ટ્રાફિકની ઉપરોકત સમસ્યાઓ પરત્વે જરૂરી ખુલાસા અને ટ્રાફિક સિસ્ટમને સુધારવા શું પગલા લેવા માંગો છો તે મુદ્દે વિગતવાર સોગંદનામું રજૂ કરવા રાજયના ગૃહ વિભાગના સચિવ, ખુદ વાહન વ્યવહાર કમિશનર, રાજયના ડીજીપી (પોલીસ મહાનિર્દેશક) આરટીઓ ટ્રાફિક પોલીસના જવાબદાર અધિકારીને હુકમ કર્યો હતો.
તાજેતરમાં જ મેમનગર વિસ્તારમાં પટેલ કન્યા છાત્રાલય અને દિવ્યપથ હાઈસ્કૂલ રોડ પર જાહેર માર્ગો પર લક્ઝરી બસોના લાઇનસર આડેધડ પાર્કિંગને લઈ ઘાટલોડિયા પીઆઈ, વી.ડી.મોરીને ફરિયાદ થઈ હતી અને ખુદ લક્ઝરી બસોના શહેરમાં પ્રવેશ અને ગેરકાયદે પાર્કિંગ પર પ્રતિબંધ મુદ્દે ખુદ ચીફ જસ્ટિસના હુકમો અને અવલોકનો હોવા અંગે પીઆઈ વી.ડી.મોરીએ બહુ ઉડાઉ અને વાહિયાત જવાબ આપ્યો હતો.
જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે સરકારી વકીલને રોકડું પરખાવ્યું હતું કે, તમારા ડીસીપી અગાઉ એવું કહેતા હતા કે 1500 માણસોના સ્ટાફમાં 80 લાખની વસ્તીને કંટ્રોલ ના કરી શકીએ જો તે તમારો જવાબ હોય તો બહુ શરમજનક વાત કહેવાય. આ તો તમારી ડયુટી છે તેમાં કોઈ બાંધછોડ ના ચાલે. તમે તમારી જવાબદારીમાંથી છટકી શકો નહી. સરકારી કહ્યું ,હું માફી ચાહુ છુ. ડીસીપીના આવા જવાબ બદલ, જેથી હાઈકોર્ટે બહુ ગંભીર ટકોર કરી હતી કે, તમારા માટે શું માણસોના દિમાગની કોઈ જ કિંમત નથી. થોડો લાભ મેળવવા માટે ટ્રાફિક, આરટીઓના મેળાપીપણામાં લોકો હેરાન થાય છે, તમને કંઈ પડી જ નથી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology