ગુજરાતમાં શ્રમિકો માટે પાંચ રૂપિયામાં ભોજન આપવાની યોજના પછી રાજ્ય સરકારે પાંચ રૂપિયામાં હંગામી આવાસ આપતી શ્રમિક બસેરા યોજના શરૂ કરી છે. સરકારનો દાવો છે કે રાજ્યમાં 17 જગ્યાએ ઊભા કરવામાં આવેલા આવાસનો લાભ 15 હજારથી વધુ શ્રમિકોને મળશે.
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઉપક્રમે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટમાં નિર્માણ થનારા આવાસોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આગામી ત્રણ વર્ષમાં 1500 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ લાખ આવાસો બનાવવાની યોજના છે. સરકારે શ્રમિકો માટે રાહતદરે પાંચ રૂપિયામાં ભોજન આપતા 290 ભોજન કેન્દ્રો શરૂ કર્યા છે. અત્યાર સુધીમાં 2.54 કરોડ ભોજન વિતરણ થયું છે. રાજ્યના શ્રમિકો 60 વર્ષની વયે પહોંચે અને વયના કારણે કામ કરવાની શક્તિ ન હોય તો તેમના નિર્વાહ માટે દર મહિને 3000 રૂપિયા જેટલી પેન્શનની રકમ તેમને કેન્દ્રની યોજના મારફતે મળે છે. શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, 'આ યોજના હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને રાહત દરે ભાડેથી રહેવાની સુવિધા પુરી પાડવામાં આવશે. લાભાર્થી શ્રમિકના છ વર્ષ કે જેથી ઓછી વયના બાળકો માટે કોઈ ભાડું લેવામાં આવશે નહીં. ત્રણ વર્ષમાં ત્રણ લાખ જેટલા શ્રમિકો માટે આવાસ સુવિધા ઊભી કરાશે. આ યોજનામાં શ્રમિકોના કડિયાનાકાના એક કિલોમીટર જેટલા વિસ્તારોમાં આવાસ પુરા પાડવામાં આવશે, જેમાં પાણી, રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટલાઈટ, સિક્યોરિટી, મેડીકલ ફેસેલિટી અને ઘોડિયાઘર જેવી સુવિધા હશે.'
અમદાવાદના સાત ઝોનમાં ઝોન દીઠ 1 હજાર 61 ચોરસમીટર સુધીનુ બાંધકામ ધરાવતા આવાસ બનશે. બે રૂમ, રસોડું સહિતની સુવિધા સાથે પશ્ચિમ ઝોનમાં 598, પૂર્વ ઝોનમાં 532, ઉત્તર ઝોનમાં 160, દક્ષિણ ઝોનમાં 350 તથા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 500 આવાસ બનાવવામાં આવી રહ્યા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology