સુરત સહિત સમગ્ર જિલ્લામાં ગઈકાલે મોડી સાંજથી શરૂ થયેલા દેમાર વરસાદે સુરતીઓનું જનજીવન ખોરવી નાખ્યું છે. તેમાં પણ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સુરતમાંથી પસાર થતી ખાડી બંને કાંઠે વહેતી થઈ છે. સુરતના પર્વત પાટિયા સહિતના વિસ્તારના મુખ્ય રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોની હાલત કફોડી થઈ હતી. શહેરની કેટલીક ટેક્સટાઈલ માર્કેટની આસપાસ પાણીનો ભરાવો થતાં કેટલીક માર્કેટ આજે વહેલી સવારે બંધ જોવા મળી હતી.
સુરતમાં ગઈકાલ સાંજથી ચોમાસુ જામ્યું હોય તેવો માહોલ ઉભો થયો છે. જોકે ગઈકાલે બે કલાકમાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ ઝીંકાતા લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી. રાત્રી દરમિયાન વરસાદ થોડો ઓછો થયો હતો પરંતુ વહેલી સવારથી વરસાદ ધુંવાધાર બેટીંગ કરી રહ્યું છે. તેના કારણે ફરી એક વખત સુરતના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે.
જિલ્લામાં ભારે વરસાદના કારણે સુરતમાં પડેલા વરસાદનું પાણી ખાડીમાં જતું ન હોવાથી અનેક મુખ્ય માર્ગો પર પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં મુખ્ય રોડ પર પાણીનો ભરાવો થયો છે. આ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટના ગોડાઉન તરફના મુખ્ય માર્ગ પર ભરાયા ઘૂંટણ સમા પાણીનો ભરાવો થયો છે. જેના કારણે વહેલી સવારે કામ પર આવનારા નોકરિયાત અને વેપારીઓની હાલત ખરાબ થઈ ગઈ હતી. લોકો આટલા પાણી છતાં માર્કેટ સુધી પહોંચતા હતા પરંતુ ભારે વરસાદના કારણે રોડ પર પાણીનો ભરાવો થયો હોય કેટલીક ટેક્સટાઇલ માર્કેટ સવારે ખુલી જ ન હતી. આ ઉપરાંત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા પણ થઈ હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology