bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે સાસણગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાશે....  

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આવતીકાલે તા. ૧૦ ઓગસ્ટના રોજ સવારે ૧૦.૦૦ કલાકે કમ્યુનિકેશન સેન્ટર, સિંહ સદન, સાસણ-ગીર ખાતે ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જણાવાયું છે.સિંહના ફોટોગ્રાફ્સ, પ્રેરણાદાયી વીડિયો, ટેક્સ્ટ મેસેજ, માઇક્રોબ્લોગ્સના માધ્યમથી સોશિયલ મીડિયા સહિત તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલ સેલિબ્રેશનનું આયોજન કરાશે.

  • એશિયાઇ સિંહ દેશમાં માત્ર સૌરાષ્ટ્રમા

પ્રત્યે નાગરિકોમાં વધુને વધુ જાગૃતિ આવે, તેનું યોગ્ય સંવર્ધન-સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત સહિત વિશ્વભરમાં દર વર્ષે તા. ૧૦ ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં વસવાટ કરતાં એશિયાઈ સિંહ એ રાજ્યના ઘરેણા-ગૌરવ સમાન છે.એશિયાઇ સિંહ દેશમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજે ૧૧ જિલ્લાઓમાં કુદરતી વાતાવરણમાં મુક્ત રીતે વિહરતા જોવા મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમજ વન મંત્રીમુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં વન વિભાગે ગુજરાતમાં સિંહના સંરક્ષણ-સંવર્ધન માટે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે.

  • વધુમાં વન વિભાગની વિવિધ યોજનાઓ

સિંહ પ્રત્યેની હકારાત્મક નીતિઓ અને સ્થાનિકોના સહિયારા પ્રયાસોના પરિણામે સિંહોની વસ્તી-સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એશિયાઇ સિંહની વસ્તીમાં ઉત્તરોતર વધારો થતો રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે વર્ષ ૧૯૯૦માં ગુજરાતમાં ૨૮૪ સિંહોની વસ્તી હતી. તે વર્ષ ૨૦૨૦ની ગણતરી મુજબ તે વધીને અંદાજે ૬૭૪ સુધી પહોંચી છે. વસ્તી વધતાં તેમના રહેણાંક વિસ્તારમાં પણ નોધપાત્ર વધારો થયો છે. આજે સિંહ સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં એશિયાટીક લાયન લેન્ડ સ્કેપ વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે. નાગરિકોમાં સિંહ પ્રત્યેની જાગૃતિ વધે, તેના સંરક્ષણ-સંવર્ધનમાં વધુ મદદરૂપ થાય તે હેતુથી વન વિભાગ તેમજ સ્થાનિકોના સહિયારા પ્રયાસથી વર્ષ ૨૦૧૬ થી દર વર્ષે ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, સ્ટાફ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, પ્રકૃતિ-સિંહ પ્રેમીઓ તેમજ ગ્રામજનોની સહભાગીતાથી કરવામાં આવે છે.

  • લોકભાગીદારી થશે

વન વિભાગના જણાવ્યા મુજબ ૧૦મી ઓગસ્ટે રાજ્યભરમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારની શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન સોશ્યલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઈલેકટ્રોનિકસ મીડિયાના માધ્યમથી વર્ચ્યુઅલ રીતે આયોજન કરવામાં આવશે. જેમાં ખાસ કરીને એશિયાટીક લાયન લેન્ડ સ્કેપના વિસ્તારના ૧૧ જિલ્લાની આશરે ૧૧,૦૦૦ થી વધુ શાળા/કોલેજોમાં આ કાર્યક્રમો યોજાશે જેમાં અંદાજે ૨૧ લાખથી વધુની લોકભાગીદારી થશે.