રાજકોટમાં આવેલ આજી-1 ડેમમાં 400 એમ.સી.એફ.ટી. તેમજ ન્યારી-1 ડેમમાં 350 એમ.સી.એફ.ટી. પાણી નર્મદા મૈયાના નીરથી ઠલવાશે. સરકારે લીલી ઝંડી આપતા નવા નીરની આવક શરૂ થઈ છે.રાજ્ય સરકારના “સૌની યોજના” મારફત રાજકોટ શહેરને પાણી પુરૂ પાડવા ત્વરિત નિર્ણયને પદાધિકારીઓ દ્વારા આવકારવામાં આવ્યો હતો.
રાજકોટવાસીઓ માટે પાણીની ચિંતા કરતા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર એક સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે, શહેરમાં પાણીની અછત ઉદભવે નહિ, પાણી કાપ ન આવે, પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય નહી તે હેતુસર, સરકારમાં આજી-1 ડેમ માટે 400 એમ.સી.એફ.ટી. તથા ન્યારી-1 માટે 350 એમ.સી.એફ.ટી. નર્મદા નીરની માંગણી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ. જેના અનુસંધાને સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની નર્મદા પાણીની માંગણી ખૂબ જ ટુંકા સમયગાળામાં મંજૂર કરી, પાણીની ફાળવણી કરેલ છે. જેના અનુસંધાને તા.૧૨/૦૮/૨૦૨૪ના રોજ પ્રથમ આજી-1 ડેમ ખાતે નર્મદા મૈયાના નીરનું આગમન થયેલ છે. જેને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ હર્ષભેર આવકારેલ. અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો આભાર વ્યકત કરેલ.
હાલ, આજી-1 ડેમની જથ્થા સંગ્રહ સપાટી 29 ફૂટ સામે, આજી-1 ડેમમાં 19.32 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે ન્યારી-1 ડેમની જથ્થા સંગ્રહ સપાટી 25.09 ફૂટ સામે, ન્યારી-1 ડેમમાં 14.27 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
આગામી સમયમાં, શહેરીજનોને પાણીની સમસ્યા ન રહે તે માટે આગોતરૂ આયોજન કરી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૬/૦૮/૨૦૨૪ના રોજ રાજ્ય સરકાર પાસે નર્મદા નીર આપવા માંગણી કરતા, રાજકોટ મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા આજી-1 ડેમ માટે 400 એમ.સી.એફ.ટી. તથા ન્યારી-1 માટે 350 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો પુરો પાડવામાં આવનાર છે. જે મુજબ આજી-1 ખાતે નર્મદા નીરનું આગમન થયેલ છે. જેના વધામણા કરવા માટે આજી-1 ડેમ સાઈટ ખાતે રાજકોટ મહાનગરપાલિકા મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, 69 વિધાનસભાના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડિયા તથા રાજકોટ મહાનગરાપાલિકાના વોટર વર્કસ વિભાગના સિટી એન્જીનીયર કે.પી.દેથરિયા, ડેપ્યુટી એન્જિનિયર દિવ્યેશ ત્રિવેદી તથા અન્ય અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology