bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

બોરસદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ચાર કલાકમાં 13 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર..

સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાર્વત્રિક વરસાદ વરસ્યા બાદ હવે મેઘરાજાએ આણંદના બોરસદમાં ધબધબાટી બોલાવી છે. ગુજરાતમાં આજે મોટા ભાગના જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. ત્યારે બોરસદમાં મુશળધાર 4 કલાકમાં 13 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ જાણે કે નદીમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવુ લાગી રહ્યું છે. 

 

  • અનેક વિસ્તાર પાણી-પાણી થયા

અગાઉ સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર અને ત્યારબાદ કચ્છના ભુજ, નખત્રાણા અબડાસા સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. હવામાન વિભાગે આજે અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપી હતી. ત્યારે આણંદના બોરસદમાં મુશળધાર બે કલાકમાં 8 ઈંચ અને 4 કલાકમાં 13 ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે.


બોરસદમાં અનરાધાર વરસાદ વરસતા અનેક વિસ્તાર પાણી-પાણી થઈ ગયા હતા. જેમાં જનતા બજાર, સ્ટેશન રોડ, શંકર પાર્ક ચોકડી, વહેરા કાવીઠા સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેના કારણે અનેક લોકો ફસાયા હતા. આ લોકોને SDRFની ટીમ દ્વારા તાત્કાલિક બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.