દેશ ની એકતા અને અખંડિતતા તથા સુરક્ષા માટે સમર્પિત રહેવાના સામૂહિક શપથ લેવડાવ્યા
:::::::::::::::::::
સરદાર વલ્લભ ભાઈ પટેલ ના એક અને અખંડ ભારત ના સંકલ્પમાં અમદાવાદ ના નગરજનો એકતા માટેની દોડ રન ફોર યુનિટી થી સહભાગી થયા
:::::::::::::
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે સમગ્ર દેશમાં સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
**
*અમદાવાદમાં એક ભારત શ્રેષ્ઠ ભારત - દોડશે અમદાવાદ, જોડાશે ભારત થીમ પર રન ફોર યુનિટીનું આયોજન
*****
*
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી.
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કહ્યું કે, બે દિવસ બાદ અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ એવા પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે, ત્યારે આ વીરપુરુષને ભાવાંજલિ આપવા આજે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રી અને સૌ દોડવીરો એ દેશની એકતા અખંડિતતા અને સુરક્ષા માટે સમર્પિત રહેવાના સામૂહિક શપથ આ એકતા દોડના પ્રારંભે લીધા હતા.
શ્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે લોહ પુરુષ અને દેશની એકતાના શિલ્પી સરદાર સાહેબની દોઢસો મી જન્મ જયંતીની સમગ્ર વર્ષ દરમ્યાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે, ભારતના રાજકીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનના સન્માનમાં ૩૧ ઓક્ટોબરના દિવસે ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વર્ષ ૨૦૧૪થી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં આ ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ કે સરદાર વલ્લભભાઈ પટેલે એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબના 'એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્ન'ને સાકાર કર્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર આયોજિત આ રન ફોર યુનિટી અખંડિતતાનું એક પ્રતીક છે.
એટલુ જ નહીં, આ દોડ સૌને એકતાના તાંતણે બાંધે પણ છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિકોને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ૩૧મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણી કરવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને નજીક લાવીને સંવાદિતા અને એકતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે.
ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના સંદેશ ને સન્માનિત કરવા માટે વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામા આવે છે.
સમગ્ર ગુજરાતમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ જગ્યા ઉપર રન ફોર યુનિટીનુ આયોજન કરવામા આવતું હોય છે.
આ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દ્વારા રન ફોર યુનિટીને સાબરમતી રિવર ફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરથી શરૂ કરવામા આવી હતી.
આ દોડ કુલ ૩.૦ કિલોમીટર અંતરની રહી હતી, જેમાં અંદાજિત ૨૫૦૦થી વધુ લોકો જોડાયા હતા.
આ રન ફોર યુનિટીમાં અમદાવાદના મેયર શ્રી સુશ્રી પ્રતિભાબહેન જૈન, સર્વ સાંસદ સભ્ય શ્રી, સર્વ ધારાસભ્યશ્રી તેમજ ડેપ્યુટી મેયર અને કાઉન્સિલરશ્રી ઓ ,મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ. થેન્નારસન, અમદાવાદ કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી.કે, તેમજ અન્ય મહાનુભાવો, પોલીસના જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology