બાળકો સહિત ર૭ નિર્દોષ લોકોનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડને આવતીકાલે બે માસ પુરા થઈ રહ્યા છે. જેના આગલા દિવસે આજે ગુનાની તપાસ કરતી સીટે તમામ ૧પ આરોપીઓ વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતું. આ કેસમાં ૩૬પ જેટલા સાક્ષી અને સાહેદો છે. જેમાંથી ૩૦ થી વધુ સાક્ષીઓના સીટે જયુડિશીયલ કન્ફેશન એટલે કે સીઆરપીસીની કલમ ૧૬૪ મુજબ મેજીસ્ટ્રેટ રૂબરૂ નિવેદનો લેવડાવ્યા છે.
ક્રાઈમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે તપાસમાં એવુ બહાર આવ્યું છે કે ટીઆરપી ગેમ ઝોનમાં મુખ્યત્વે વેલ્ડીંગ વખતે આગ લાગી હતી. ગેમ ઝોન બનાવવામાં મોટાપાયે પ્લાસ્ટીકના ફોમ શીટ, લાકડા સહિતના જવલનશીલ મટીરીયલનો ઉપયોગ થયો હતો. જેમાં ફોમશીટનો કુલીંગ વધારવા માટે ઉપયોગ થયો હતો.
આ પ્રકારના જવલનશીલ મટીરીયલને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને ૩ થી ૪ મિનિટમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તપાસ દરમિયાન ગેમઝોનમાંથી પેટ્રોલ-ડિઝલ જેવા જવલનશીલ પ્રવાહીની હાજરી મળી નથી.
ગેમ ઝોનના મુખ્ય સંચાલક પ્રકાશ હિરનનું આગમાં જ ભુંઝાઈ જવાથી મોત થયાનું બહાર આવ્યું છે. તેના આર્થિક વ્યવહારોની તપાસ કરવામાં આવી છે. આ કેસમાં સીએની પણ નિમણુંક કરવામાં આવી હતી. જેના દ્વારા ગેમ ઝોનના સંચાલકો વગેરેના બેન્કીંગ વ્યવહારો, ટ્રાન્ઝેકશન, આઈટી અને જીએસટી રીર્ટન વગેરેના ઓડીટીંગ અને રીર્પોટીંગનું કામ હાલ ચાલુ છે. આ તમામ બાબતોનો પુરાવા તરીકે ઉપયોગ કરાશે.
ડીસીપીએ વધુમાં જણાવ્યું કે આ કેસમાં નજરે જોનારા સાહેદો, ગેમ ઝોનના કર્મચારીઓના પણ જયુડીશીયલ કન્ફેશન લેવામાં આવ્યા છે. આરોપીઓએ બોગસ દસ્તાવેજો બનાવ્યા ત્યારે જેની હાજરી હતી તેમના પણ નિવેદનો લેવામાં આવ્યા છે. સંબંધિત સરકારી અધિકારીઓના પણ નિવેદનો લેવામાં આવ્યા છે. જેટલા લોકો ગેમઝોનમાં બચી ગયા હતા તેમના અને ઈજાગ્રસ્તોના પણ નિવેદનો લેવામાં આવ્યા છે.
આ કેસના ૧પ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરાયું છે તેમાં ધવલ ઠકકર, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, નિતીન લોઢા, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, મહેશ રાઠોડ, મનસુખ સાગઠીયા, ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદિપ ચૌધરી, રાજેશ મકવાણા, રોહિત વીગોરા, ભીખાભાઈ ઠેબા અને ઈલેશ ખેરનો સમાવેશ થાય છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology