bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજાની પટરાણી બોબડી હોય, લુલી-લંગડી હોય તોય તેની કુખે...વધુ એક ભાજપના નેતાનો જાહેરમાં બફાટ...    

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે કરેલી વિવાદિત ટિપ્પણીનો મામલો હજુ શમ્યો નથી. પ્રદેશની સાથો સાથ ભાજપ હાઈકમાન્ડ પણ આ અંગે ચિંતિત છે. એવા સમયે હજુ રૂપાલાવાળી બબાબ પતી નથી ત્યાં ભાજપના વધુ એક નેતાએ નાંખ્યું બળતામાં ઘી! જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલે રાજાની પટરાણીઓ અંગે વિવાદિત નિવેદન આપીને સમગ્ર મામલામાં ભડકો કરવાનું કામ કર્યું છે. 

ગઈ કાલે જૂનાગઢના વિસાવદરમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના કાર્યલયના ઉદ્ગાટન પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. તેમણે કહ્યું કે, ‘હિન્દુસ્તાનમાં એક સમય એવો હતો કે રાજાની પટરાણી બોબડી હોય, લુલી હોય, લંગડી હોય પણ તેના કુખેથી જે દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે.’

જો કે કિરીટ પટેલના આ વિવાદાસ્પદ નિવેદનનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેમનો ભારે વિરોધ થયો. જેના કારણે તેમને માફી પણ માંગવી પડી. ભાજપ પ્રદેશ કાર્યાલય સુધી વાત પહોંચી જતાં આ નેતાને પણ ખખડાવવામાં આવ્યાં. સાથે જ તેમને પ્રદેશ ભાજપ કાર્યાલયથી પણ ચોખ્ખા શબ્દોમાં કહેવામાં આવ્યુંકે, માપમાં રહો. ભાષણબાજી કરતા પહેલાં ધ્યાન રાખો. આ મામલો વધુ વકરે નહીં તે પહેલાં જ માફી માંગી લેવા માટે પણ પ્રદેશ હાઈકમાન્ડે કિરિટ પટેલને સ્પષ્ટ સુચના આપી હતી. એજ કારણ છેકે, પછી આ નેતાએ નીચુ મોંઢું નાંખીને સોશિયલ મીડિયા પર આવીને માફી માંગવાની ફરજ પડી.

પહેલાં મન ફાવે તેમ બોલવું, કોઈકને ઉતારી પાડવા, કોઈની જ્ઞાતિ-જાતિ વિશે વિવાદિત ટિપ્પણી કરવી..અને પાછળની મામલો વધુ ગરમ થાય એટલે માહોલ જોઈને માફી માંગી લેવી. હવે આ વસ્તુ ધીરે ધીરે ભાજપની આદત બની રહ્યું છે. પરંતુ નેતાઓ પહેલા વાણીવિલાસ કરે પછી માફી માંગી લે તેને હવે જનતા શાંખી લેવા તૈયાર નથી. ચૂંટણી પહેલા ભાજપના નેતાઓનો આવો વાણી વિલાસ ભાજપને નુકસાન કરી શકે છે. હજુ ભાજપ રુપાલાના વિવાદ મામલે ડેમેજ કંટ્રોલ કરી શક્યું નથી ત્યારે બીજી તરફ વધુ એક નેતાના બફાટે ભાજપની મુશ્કેલીમાં વધારો કર્યો છે.