bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

રાજકોટમાં તથ્યકાંડ જેવી ઘટના, વૃદ્ધ મહિલાને કાર ચાલકે 4 કિમી સુધી ઢસડી, વૃદ્ધાનું મોત....   

રાજ્યમાં હિટ એન્ડની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અમદાવાદના તથ્યકાંડની કાળી શાહી હજુ સુકાઈ નથી ત્યાં રાજકોટમાં વધુ એક આવી ઘટના સામે આવી છે. શહેરના કાલાવડ રોડ પર ધોળાધાર રાધે હોટેલ પાસે રાત્રીના એક ચોંકાવનારી અને જીવલેણ  હિટ એન્‍ડ રનની ઘટના બની હતી. 

કણકોટના પાટીયે રહેતાં ૬૪ વર્ષના વૃધ્‍ધા રાતે સાડા અગિયારેક વાગ્‍યે પોતાના માનસિક અસ્‍વસ્‍થ એવા દિકરા સાથે ભંગાર વીણીને પગપાળા ઘર તરફ જઇ રહ્યા હતાં ત્‍યારે એક સફેદ રંગની કાર બેફામ સ્‍પીડથી નીકળી હતી અને આ વૃધ્‍ધાને ઠોકરે ચડાવી દીધા હતાં. ઠોકરે ચડયા બાદ ફંગોળાઇ જવાને બદલે આ વૃધ્‍ધા કારમાં જ ફસાઇ ગયા હતાં. આમ છતાં ચાલકે કાર ઉભી રાખી દેવાને બદલે બેફામ સ્‍પીડથી ભગાવ્‍યે રાખી હતી. પુત્ર આ કારની પાછળ દોડયો હતો. પરંતુ કારની સ્‍પીડ વધુ હોવાથી તે આંબી શક્‍યો નહોતો. તે દેકારો મચાવતો મચાવતો કાર જે તરફ ભાગી તે તરફ આગળ વધતો ગયો હતો. છેલ્લે આશરે ચાર કિલોમીટર આગળ કણકોટના પાટીયે તેને તેના માતા મૃત હાલતમાં મળ્‍યા હતાં. કારચાલક ભાગી ગયો હતો.

  • સ્થાનિકો કાર પાછળ દોડ્યા

સ્થાનિકો કાર પાછળ દોડ્યા, કોઈ બાઈક લઈને, કોઈ અન્ય વાહન લઈને નરાધમને પકડવાનો પ્રયાસ કર્યો પણ તે ફરાર થવામાં સફળ થયો હતો. અકસ્માતમાં 64 વર્ષીય વિજયાબેનનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું.

  •  વૃદ્ધા કચરો વીણવાનું કામ કરતા

આ વૃદ્ધા કચરો વીણવાનું કામ કરતા હતા. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે, ફરાર કાર ચાલકને દબોચવા માટે પોલીસ ટીમો કાર્યરત કરી છે.